ગયા સપ્તાહમાં અમદાવાદથી જામનગર જવાનું થયું. થોડા સામાજિક કારણોસર રાજકોટ થઈને જામનગર જવું તેવું નક્કી થયું. સહકુટુંબ અમે લોકો લગભગ નવ વાગ્યે અમદાવાદથી અમારો પ્રવાસ શરુ કર્યો. અમારી કાર ઝડપભેર રાજકોટ તરફ દોડી રહી હતી. બાળકોને જામનગર પહોંચવાની જલ્દી હતી કારણ કે તેમના પિતરાઈ ભાઈનો જન્મદિવસ ઉજવવવા માટે જ અમે લોકો ખાસ જઈ રહ્યાં હતાં. એકાદ કલાકમાં અમે લોકો બગોદરા પછી આવેલ ટોલ પોઈન્ટ પર પહોંચી ગયા. એક પછી એક વાહન ટોલ ટેક્ષ ભરતાં જતાં હતાં અને આગળ વધી જતાં હતાં. મે પણ ૨૦ રૂપિયા આપ્યા અને પહોંચ લીધી. સામાન્ય રીતે આપણે પહોંચ પર ક્યારેય ધ્યાન આપતાં જ નથી - મે પણ એમ જ પહોંચ લીધી અને ગાડીના સાઈડ બોક્સમાં મૂકી દીધી. ગાડી આગળ ચલાવી પણ જોયું તો અમારી આગળ એક કાર ઊભી છે અને તેની આગળ "STOP" નું બેરીકેટ મુકેલું છે. મને એમ કે હમણાં તેને હટાવી લેવામાં આવશે કદાચ ભૂલમાં મુકાઇ ગયું હશે. પરંતુ આગળની કારમાં બેઠેલા સજ્જન અને ટોલ પરનો કોઈ માણસ રકઝક કરી રહ્યાં હતાં. હું ગાડીમાંથી નીચે ઉતર્યો અને ત્યાં ગયો. તેટલી વારમાં અમારી પાછળની ગાડીઓના માણસો પણ ત્યાં આવી ગયા. મે પૂછ્યું, " કેમ ભાઈ રસ્તો બંધ કર્યો છે ? રસ્તો ખોલો અમારે મોડું થાય છે." પેલો ટોલ પરનો માણસ કહે, " આ ભાઈ ટોલ ભર્યા વગર આગળ જવા માંગે છે માટે અમે રસ્તો બંધ કર્યો છો." મે કહ્યું, "પણ અમે તો ટોલ ભર્યો છે ને ? તમારે આ ભાઈ સાથે જે રકઝક કરવી હોય તે ગાડી બાજુ પર કરીને કરો. અમારો નાહકનો સમય કેમ વેડફો છો?"
આ ચર્ચાએ ગરમી પકડી લીધી. મારી અને ટોલ પરના માણસ વચ્ચે ઊંચા અવાજે ઝગડો પણ શરુ થઇ ગયો તેવામાં પેલા ભાઈ જેના કારણે બધાની ગાડીઓ રોકાયેલી હતી તેમણે પોતાની ટોલ ટેક્ષની પહોંચ બતાવી અને જણાવ્યું કે તેમાં બારકોડ છે જ નહિ. જે ટોલ આપણે ભરીએ છીએ તે સરકાર સુધી પહોંચતો જ નથી. આ લોકો નકલી પહોંચ આપીને આપણી મહેનતના પૈસાથી પોતાના ઘર ભરે છે. આ વાત સાંભળતા જ હું ચોંકી ગયો અને મે પણ મારી પહોંચ તપાસી. જોયું તો ખબર પડી કે બારકોડ તો નથી પણ વાહનનો રજીસ્ટ્રેશન નંબર પણ આ લોકો ખોટો છાપે છે.
મમલો વધતો ગયો. લોકો જમા થવા લાગ્યો. કેટલાક ગાડીમાં બેઠા બેઠા કાયદાની ડંફાસ હાંકવા લાગ્યા પણ નીચે ઉતરીને પેલા ટોલ વાળા માણસ સાથે ચર્ચા કરવા બહુ ઓછા લોકો આવ્યા.
થોડી વાર પછી પેલા સજ્જનને પૈસા ભર્યા વગર જ જવા દેવામાં આવ્યા - તેને હું તેમની જીત માનું છું પણ મને મારી હાર લાગી.
ઉપરોક્ત ઈમેજ ધ્યાનથી જૂઓ, મારી ગાડીનો નંબર ૪૨૦૧ જયારે અહીં મારી એક જ ગાડી માટે બંને દિવસે જુદા જુદા નંબર લખવામાં આવ્યા છે. એકમાં ૧૨૪૫ છે અને બીજામાં ૪૫૮૯ છે.
મને આ બાબતથી થોડા વિચાર આવ્યા જે અહીં રજુ કરું છું. આપના આભિપ્રાય આપશો તો ચોક્કસ ગમશે.
મને આ બાબતથી થોડા વિચાર આવ્યા જે અહીં રજુ કરું છું. આપના આભિપ્રાય આપશો તો ચોક્કસ ગમશે.
(૧) દરેક ટોલ પોઈન્ટ પર ટોલ ઉઘરાવવાના સમયગાળાની વિગત વાહનચાલકને દેખાય તે રીતે તથા તેની પહોંચ પર આપવી જોઈએ. ટોલની શરૂઆત અને ક્યારે ટોલ લેવાનું બંધ થશે તેની તારીખ, મહિનો અને વર્ષ લખેલા હોવા જોઈએ. ટૂંકમાં કહું તો કોન્ટ્રાક્ટનો ગાળો કેટલો છે તે જાહેર બાબત હોવી જોઈએ.
ઘણા ટોલ કદાચ કોન્ટ્રાક્ટ પૂરો થઇ જવા છતાં ચાલતા હોય તેવું બની શકે.
(૨) ટોલ ની રકમમાં સમયાંતરે ઘટાડો પણ થવો જોઈએ. એકદમ નવા રોડ માટે શરૂઆતમાં લાગતો ટોલ અને એક, બે કે પાંચ વર્ષ પછી લાગતો ટોલ કેવી રીતે એકસમાન હોય શકે ? હા! જો રોડનું સમયાંતરે સમારકામ થતું રહે અને ગુણવત્તા એક સરખી જાળવી રાખવામાં આવે તો વાત અલગ છે પણ મારો અનુભવ કહે છે કે એક વાર રોડ બંને પછી માત્ર થીગડાં જ કરવામાં આવે છે. આ વાતને થોડી વિગતે જોવી જોઈએ.
(૩) સરકારી વાહન, મંત્રીઓની ગાડીઓ કે કોઈ પણ પદાધિકારીની ગાડીનો ટોલ શું કામ નથી લેવામાં આવતો ? આપાતકાલીન સેવાઓ માટેના વાહન જેવાકે એમ્બુલન્સ, ફાયર બ્રિગેડ વગેરે સામે વાંધો નથી પણ જે લોકો આપણા દેશમાં સત્તા ભોગવે છે, જેઓ સરકારી અધિકારી છે તેમને તો ટોલ ભરવો જ જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે.
(૪) લાલ પટ્ટી કે ગાડી ઉપર બીકોન લગાડી દેવાથી ટોલ ચુકવવામાંથી બચી જતાં લોકો ગરીબ નથી કે કોઈ આપાતકાલીન સેવા પણ આપતાં નથી તો પછી શા માટે તેમને ટોલ ફ્રી સવલત આપવામાં આવે છે?
આપના અભિપ્રાયની રાહ જોતો,
આપનો સ્નેહાધીન,
મિતેષ

SUPERB.....
ReplyDeleteI have to check "Toll Slip" next time. Thanks.
ReplyDelete