આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે એક અંગત મંતવ્ય:
સ્ત્રી અને પુરુષની દરેક બાબતને જે બહેનો વિરોધાભાસ અને નકારાત્મક દ્રષ્ટિકોણથી જુએ છે તેમણે સંવાદ સ્થપાય તેવા પ્રયત્નો કરવા જોઈએ નહી કે વિવાદ. ઘર અને સમાજ વ્યવસ્થાને ચલાવવાની જવાબદારી સ્ત્રી અને પુરુષરૂપી બે પૈડાઓ પર છે. તેથી બંને પૈડાઓ વચ્ચે સંવાદિતા હોય તો જ ગાડી આગળ ચાલે. આજે સોશિયલ મીડિયા સંદેશાઓથી ભરાઈ જશે પણ માત્ર શુભેચ્છાઓ પાઠવી પાઠવીને કોઈ સુધારો આવે તેવી શક્યતા ઓછી છે. કુદરતે બંને પાત્રોની રચના અલગ (અહીં અલગ નો અર્થ ક્ષમતાની દ્રષ્ટીએ અસમાન તદ્દન ન કરવો) રીતે કરી હશે તો કંઈક સમજી વિચારીને જ કરી હશે. જે સંસ્થાઓ સ્ત્રીઓને પુરુષ વિરોધી બનાવી દેવાના ભયંકર પ્રયત્નો કરી રહી છે તે બહેનોનું હિત ઓછું અને નુકશાન વધારે કરી રહી છે. આજે આ વાત ઘણાને ખૂંચશે પણ લાંબા ગાળે સમજાશે. સદીઓ પછી એવો સમાજ ન બની જાય કે પુરુષોના અધિકારો માટે આંતર રાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવાનો વારો આવે. કહેવાનો અર્થ કે બંનેમાંથી કોઈએ પોતાને એકબીજાના હરીફ માનવાની તદ્દન જરૂર નથી. સમજણ અને સન્માનપૂર્વક રીતે સાથે જીવન જીવવાની જરૂર છે. જીવન એક છે અને તે જીવવા માટે છે. મહિલા જાગૃતિ અને મહિલાઓને ભડકાવવા વચ્ચેનો તફાવત સમજીને કામ કરવું તે સૌની જવાબદારી છે.દરેક યુદ્ધનો અંત અંતે તો ક્ષમા અને શાંતિ જ હોય છે. ખુવારી બંને પક્ષે થાય છે, નુકશાન બંને પક્ષે થાય છે. જીતીને પણ જીવવાનું હોય અને હારીને પણ જીવવાનું હોય તો શા માટે માત્ર જીવવાનું જ પસંદ ન કરીએ? “આંતર રાષ્ટ્રીય સ્ત્રી-પુરુષ સંવાદીતા દિવસ”ની ઉજવણી રોજ થાય તેવી શુભેચ્છા સાથે.
હવે ઉપરોક્ત વિચારમાં પણ ઘણા સહમત ન થાય તો કોઈ વાંધો નથી કારણ કે આ એક અંગત મંતવ્ય છે.
-મિતેશ સોલંકી
No comments:
Post a Comment