તારીખ: ૧૩-૦૩-૨૦૧૬
સ્થળ: પ્રથમા બ્લડ બેંક
દિવસ: ૫૦મું રક્તદાન
આજે મારા માટે અતિ મહત્વનો દિવસ છે. મેં નક્કી કરેલા કેટલાક અંગત અને અગત્યના ધ્યેયોમાંનો એક ધ્યેય મેં આજે અડધો પૂર્ણ કરી લીધો. મારી ઈચ્છા છે કે જીવનમાં ૧૦૦ વાર રક્તદાન કરવું અને આજે મારું ૫૦મું (પચાસ પુરા) રક્તદાન મેં કર્યું. આહ! શું અનુભવ છે. મને બરાબર યાદ છે કે મેં પ્રથમ રક્તદાન આજથી ૧૫ વર્ષ પહેલા જલતરંગ કલબમાં પ્રથમા બ્લડ બેંક દ્વારા આયોજિત એક કેમ્પમાં કરેલું. મને એ પણ યાદ છે કે મને ત્યાં લઇ જનાર મારો મિત્ર હતો ભાવિન ઓઝા અને વિશ્વેશ દલાલ. અમે સાથે ત્યાં ગયેલા અને રક્તદાન કરેલું અને હું તે પ્રવૃત્તિ અને કેમ્પનો માહોલ જોઇને એવો ખુશ થયેલો કે હું પોતે ત્યાં સ્વયંસેવક તરીકે રોકાઈ ગયો અને આવનાર રક્ત્દાતાઓને ફોર્મ ભરવામાં મદદ કરવા લાગ્યો. તે દિવસથી આજ સુધી મારો અને પ્રથમનો સંબંધ અતુટ રહ્યો. મારા બધા જ રક્તદાન (પ્રથમ રક્તદાન સિવાય) મેં બ્લડ બેંક જઈને જ કર્યા છે. ઘર પાસે પ્રથમાની બસ આવતી હોવા છતાં મને હંમેશાં એવું થતું કે બ્લડ બેંક જઈને જ રક્તદાન કરવું. તેના લીધે પ્રથમાનો લગભગ સ્ટાફ મને વ્યક્તિગત રીતે ઓળખતો થઇ ગયો. ઘણા મિત્રો મળ્યા, ઘણા કાર્યક્રમમાં ભાગ લીધો અથવા એક દર્શક રહ્યો, ઘણી પ્રવૃતિઓ જાણવા અને જોવા મળી. થેલેસેમિયા પીડિત બાળકો માટે થતી પ્રવૃત્તિથી ખૂબ પ્રભાવિત થયો. કેન્સર અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે પ્રથમાની પહેલ કાબીલેતારીફ કહેવી જ પડે. ત્યાંના સ્ટાફની વર્તણુંક, સ્વચ્છતા, મેડીકલ પ્રોટોકોલનું પાલન અને એક સંસ્થાની શાલીનતાને વખાણવી જ પડે. નીનાબહેન ભગત એક ખૂબ સારા મિત્ર પણ પ્રથમાની દેન છે તેમ કહેવામાં કોઈ સંકોચ નથી. જયારે જયારે પણ અને જ્યાં જયાં પણ હું કોઈપણ રીતે ઉપયોગી થઇ શકું ત્યારે નીનાબહેને મને ખાસ યાદ કર્યો છે. મારા માટે એક ગૌરવની વાત છે કે વિશ્વ રક્તદાતા દિવસે રેડિયો પર મારી બાઈટ, પ્રથમાના પોસ્ટરમાં મારો ફોટો અને ૫, ૨૦ તેમજ ૨૫માં રક્તદાન ના સર્ટીફીકેટ આજે મારા ઘરે મારી શોભા વધારી રહ્યા છે. ૨૫માં રક્તદાન પછી સિલ્વર મેડલ પણ મળેલું. આ ઉપરાંત બ્લડ ફ્રેન્ડસ સામયિકમાં નિયમિત લેખ પણ લખતા રહેવાની તક મને મળતી રહી.
મારી અગાઉની કંપની જ્યાં હું નોકરી કરતો ત્યાં થોડા પ્રયત્ન કરવાથી એક સફળ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો અને લગભગ ૧૫૦ યુનિટ બ્લડ અમે તે દિવસે એકઠા કરી શક્યા. તે મારા માટે તેમજ કંપની અને પ્રથમા માટે એક જ્વલંત સફળતા હતી.
મારા કેટલાક વિદ્યાર્થીઓને પણ મેં આ પ્રવૃત્તિ અંગે જાગૃત કરવા પ્રથમા લઇ ગયો છું અને પ્રથમાના સ્ટાફે ખૂબ રસપ્રદ અને સુંદર રીતે તેમને બ્લડ બેંકની વિવિધ પ્રવૃત્તિ તેમજ વિભાગો વિષે વિસ્તૃત માહિતી આપી હતી. આજે પણ મારા વિદ્યાર્થીઓ તે મુલાકાતને એક યાદગાર મુલાકાત તરીકે યાદ કરે છે.
સામાન્ય રીતે દાન સામે કશું લેવાનું ન હોય પરંતુ પ્રથમાએ હંમેશાં પોતાના રકતદાતાઓને એક નાની એવી યાદગીરીરૂપી ભેંટ આપી જ છે. ઘરમાં ઘણી જગ્યાએ જોવા મળતી પ્રથમાની ભેંટ જેવી કે મગ, કેપ, બેગ, કેલેન્ડર, ચોકલેટ્સ વગેરે મનને ખુશ કરી દેતા હોય છે.
આ ઉપરાંત પ્રથમાની એક સ્કીમ મને વ્યક્તિગત રીતે ખૂબ ગમી છે. મારા પાંચ બ્લડ ડોનેશન પર હું મારા મિત્રવર્તુળમાં એક યુનિટ બ્લડ અપાવી શકું છું અને રક્તદાતા માટે તો જેટલા યુનિટ ડોનેશન હોય તેટલા યુનિટ પ્રથમા આપવા બંધાયેલી જ છે તે જાણીને કેટલો આનંદ થાય? જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, નાની આવકમાં હોસ્પિટલનો મોટો ખર્ચ થઇ ગયો હોય ત્યારે મારા જેવા નિયમિત રકતદાતાઓ જો નમ્ર વિનંતી કરે તો પ્રથમા યુનિટ દીઠ લાગતો ટેસ્ટીંગ ચાર્જ પણ ખૂબ ઓછો લે અથવા ક્યારેક ક્યારેક તો તદ્દન ફ્રી પણ કરી આપે. એવા તો ઘણા પ્રસંગો છે જ્યાં મેં નીનાબહેનને એક ફોન કર્યો હોય અને મારી વાત માત્ર પર ભરોસો રાખીને જરૂરિયાતમંદ વ્યક્તિને બનતી મદદ કરી આપી હોય.
મેં પણ એક રક્તદાતા તરીકે હંમેશાં ધ્યાન રાખ્યું છે કે આ સોનેરી સંબંધનો કોઈ દુરુપયોગ ન થાય અને ખરી જરૂરિયાતમંદ વ્યક્તિને યોગ્ય મદદ થાય. મારું તો સંપૂર્ણ કુટુંબ હવે પ્રથમાનું આદી થઇ ગયું છે અને લગભગ હવે હું કુટુંબ સાથે જ બ્લડ ડોનેટ કરવા જાઉં છું.
આ ઉપરાંત મેં વર્ષો સુધી એક ટેવ પણ રાખી હતી કે જયારે પણ હું રક્તદાન કરવા જાઉં ત્યારે બને ત્યાં સધી એક એવા વ્યક્તિને લઈને જાઉં જે રક્તદાન કરતો ન હોય. મારો ઉદેશ્ય બસ એટલો જ કે રક્તદાનની પ્રવૃત્તિ જોતા જોતા કદાચ તેને પણ મન થાય અને એક નવો રક્તદાતા ઉભો થાય. તમને જાણીને આનંદ થશે કે મારા કેટલાય મિત્રો આ પ્રમાણે નવા રક્તદાતા બન્યા અને હવે પ્રથમાના નિયમિત રક્તદાતા બની ગયા છે. હવે તો એવું પણ બને છે કે કેટલાક મિત્રો ફોન કરીને જણાવે કે મિતેષ તારી પાછળ જ આવી રહ્યા છીએ. અમારું પણ ૫મું કે ૧૦મું ડોનેશન છે. આ સાંભળું ત્યારે થાય કે કેટલી તંદુરસ્ત સ્પર્ધા છે? પછી વળી વિચાર આવે કે હવે તો મારે આ રક્તદાન યજ્ઞ ચાલુ જ રાખવો પડશે નહિ તો મારા મિત્રો મારાથી આગળ નીકળી જશે.
બસ આ રીતે જ નવા રક્તદાતા ઉભા થતા જાય, મિત્રો મળતા જાય અને બને તેટલું રક્તદાન કરીને કોઈ અજાણ્યા શરીરમાં રક્તરૂપે વહેતા રહીએ તેવી અદમ્ય ઈચ્છા છે.
નીચે મારા પ્રથમા સાથેના કેટલાક યાદગાર પ્રસંગોના ફોટોગ્રાફ્સ છે.
 |
| ૫૦મું રક્તદાન - હું, મારો દીકરો માનવ અને દીકરી રુદ્રા |
 |
| ૫૦મું રક્તદાન |
 |
| ૫૦મું રક્તદાન કાર્ય બાદ મિત્રોને જણાવતા સમયે પત્નીએ પડેલો ફોટો |
 |
| ૨૦માં રક્તદાન બાદ મળેલ સર્ટીફીકેટ અને અન્ય રક્તદાતા મિત્રો સાથે |
 |
| ૨૫માં રક્તદાન બાદ મળેલ સર્ટીફીકેટ અને અન્ય રક્તદાતા મિત્રો સાથે બ્લડફ્રેન્ડસ સામાયિકના કવરપેજ પર |
 |
| બ્લડ ફ્રેન્ડસ સામયિકમાં મારો એક લેખ |
 |
| બ્લડ ફ્રેન્ડસ સામયિકમાં મારો એક લેખ - જાગો રક્તકર્ણ જાગો |
 |
| પ્રથમા બ્લડ બેંકના પોસ્ટરબોય તરીકે મળેલી તક અને એક આગવી ઓળખ |
 |
| ૨૫માં રક્તદાન બાદ અન્ય રક્તદાતાઓ સાથે |
 |
| પ્રથમા બ્લડ બેંકના પોસ્ટરબોય તરીકે મળેલી તક અને એક આગવી ઓળખ |
No comments:
Post a Comment