Friday, 12 February 2016

એક યાદગાર પ્રવાસ - વિથોણ - કચ્છ


તારીખ:૨૬/૨૭ -૦૧-૨૦૧૬
સ્થળ: વિથોણ, કચ્છ
સાથીદાર: હું, દીપ્તિ, રુદ્રા, માનવ, મમ્મી, પપ્પા, ધીરેનકુમાર, મિત્તલ અને ભાણો (પરમ)

લગભગ ૪૦૦ વર્ષ પહેલા થઇ ગયેલ એક સેવાભાવી સંત શ્રી ખેતા બાપાની જગ્યા વિથોણ ગામના પાદરમાં આવેલ છે. આ જગ્યાની જાણકારી મને દિવાળી પછી મારા મિત્ર નવીનભાઈ પટેલ તરફથી મળી હતી. ત્યારથી મારા મગજમાં આ વાત નક્કી હતી કે જો કચ્છ જવાનું થાય તો એકવાર વિથોણ તો જઈશ જ. આ તક અમને મળી જાન્યુઆરી મહિનામાં. કુટુંબ સાથે અમે પ્રવાસે ઉપડ્યા અને ઘણા સ્થળો ફર્યા પણ મનમાં મને વિથોણ પહોંચવાની ઉતાવળ હતી. મારી આતુરતાનો અંત આવ્યો અને ૨૬મી જાન્યુઆરીની સાંજે લગભગ ૫:૦૦ વાગ્યે વિથોણ પહોંચ્યા. ભૂજ હતાં ત્યારે જ વિથોણ ફોન કરીને અમારા પહોંચવાની તેમજ ત્યાં રોકવાની વાત કરી લીધી હતી એટલે કોઈ ચિંતા ન હતી. ગાડી પાર્ક કરી અને પ્રાંગણમાં પગ મુકતા જ એક ધન્યતાની લાગણી અનુભવાઈ. ગામ, જગ્યા અને વિસ્તાર નવો હોવા છતાં એક વિશ્વાસ હતો કે ધક્કો નિષ્ફળ નહિ જ જાય. હું અને ધીરેન કાર્યાલય પર પહોંચ્યા અને શ્રી અરવિંદભાઈને મળ્યા. મેં ફોન કરેલો જ હતો એટલે તેમણે કહ્યું કે આપ ૬ લોકો મોટા છો અને ૩ બાળકો છે તેથી બે ની બદલે અમે તમને ત્રણ નાના રૂમ આપી દઈએ. અમે હા પાડી. શ્રી અરવિંદભાઈ પણ ખૂબ સરળ અને મિલનસાર હતાં એટલે તેમની સલાહ ન માનવા પાછળ કોઈ કારણ ન હતું. તેમણે અમને રૂમની ચાવીઓ આપી અને રૂમ જોવા મળે એક ભાઈને અમારી સાથે મોકલ્યા. ભોજનશાળાની ઉપર જ ત્રણ રૂમ હતાં. અમને જગ્યા ગમી. મેં, ધીરેને તેમજ ઘરના સભ્યોએ થોડો થોડો સમાન ગાડીમાંથી લઇ લીધો અને બધા રૂમ તરફ આગળ વધ્યા. રૂમ નં.-૨માં હું, દીપ્તિ અને બાળકો, રૂમ નં.-૩માં ધીરેન, મિત્તલ અને પરમ અને રૂમ નં.-૪ માં મમ્મી અને પપ્પા. સમાન મુક્યા પછી હું અને ધીરેન આજુ બાજુની થોડી વ્યવસ્થા જોવા માટે નીચે ગયા. બાળકો નાસ્તો કરવા માટે મમ્મી-પપ્પાના રૂમમાં ભેગા થયા. ત્યાં જ અરવિંદભાઈ મળ્યા અને તેમણે જણાવ્યું કે તમને જે રૂમ આપ્યા છે તેમાં સોલર પ્લાન્ટ છે માટે ગરમ પાણી બાથરૂમમાં જ આવશે. આ જાણી અમારો પહેલો પ્રશ્ન હલ થઇ ગયો. હવે ચા પીવાની ઈચ્છા હતી પણ સંસ્થાના નિયમ પ્રમાણે ૩-૪ ની વચ્ચે જ ચા મળે અને અમે તો ૫:૦૦ પછી ત્યાં પહોંચ્યા હતાં એટલે ચા મળે તેવી કોઈ શક્યતા ન હતી. બહાર નીકળીને પુછપરછ કરી તો જાણ્યું કે અડધા કિલોમીટર દુર બસ સ્ટોપ પર ચા મળેશે. હું અને ધીરેન વાતો કરતાં કરતાં ગામ તરફ ચાલવા માંડ્યા. સવારે ન્હાવા માટે બે સાબુ, માથામાં નાખવાનું તેલ અને ૪ આખી ચા લઈને ફરી પહોંચ્યા રૂમ પર. બધાએ ભેગા મળીને ચા પીધી અને થોડો નાસ્તો પણ કર્યો.
સંસ્થાનું વાતાવરણ એકદમ શાંત, સ્વચ્છ અને આધ્યાત્મિક હતું. અમે સૌ નીચે આવ્યા અને સંસ્થાની મુલાકાત લેવા માંડ્યા. નીચે રમણીય બગીચો, બાળકો માટે રમવાના વિવિધ સાધનો, અને આહલાદક ધાર્મિક મૂર્તિઓ જોઇને અમે તો બધા છક થઇ ગયા. પવનપુત્ર હનુમાનજી ની ૭૧ ફૂટ ઉંચી મૂર્તિનું કામ જોઇને તો ભલભલા મોં માં આંગળા નાખી દે. શ્રી ખેતા બાપાના મંદિર સામે જ એક સુંદર નાનો ફુવારો અને વળી વિવિધ રંગોની લાઈટ હતી તેથી બાળકો તો ખુશખુશાલ થઇ ગયા. મમ્મી પપ્પાને પણ જગ્યા ખૂબ ગમી. ધીરેન, મિત્તળ અને પરમ પણ વિવિધ મુદ્રામાં ફોટા પાડવા લાગ્યા અને અમે પણ પોતપોતાની રીતે વિવિધ મૂર્તિઓ જોઇને આનંદ લઇ રહ્યા હતાં. વિષ્ણુ ભગવાનની ગરુડ પર વિરાજમાન મૂર્તિ ખૂબ વિશાળ અને આકર્ષક હતી. મેકરણ દાદા, નરસિંહ મહેતા, સાઈ બાબા, મીરાંબાઈ અને અન્ય ઘણા ભક્તોની પણ સુંદર મૂર્તિઓ હતી. સૌથી આકર્ષક મૂર્તિ હતી ગીતા સંદેશ આપતા શ્રી કૃષ્ણ અને અર્જુનની. તે મૂર્તિનું વર્ણન શબ્દોમાં કરવું ખરેખર મુશ્કેલ છે. આપ અહીં નીચે તે મૂર્તિઓના કેટલાક ફોટા જોઈ શકશો. રાધા કૃષ્ણની મૂર્તિ પણ એટલી જ સુંદર અને આકર્ષક હતી. સાંજે ૭:૩૦ વાગે આરતી કરીને અમે બધાએ ભોજનશાળા આગળ જ અડ્ડો જમાવ્યો. થોડા સમયમાં હરિહરનો સાદ પડ્યો અને અમે સૌ જમવા માટે ભોજનશાળામાં પ્રવેશ્યા. સ્વચ્છ ટેબલ-ખુરશી, થાળી, વાટકી અને ચમચીઓ ગોઠવેલી હતી. સૌ સૌની થાળી લઈને લાઈનમાં જમવાનું પીરસવા લાગ્યા. આધ્યાત્મિક જગ્યાનું જમણ પણ આપોઆપ સાત્વિક બની જતું હોય છે - સ્વાદિષ્ટ ખીચડી, ચટાકેદાર કઢી અને રૂમાલી રોટલી અને ઉપર વળી છાશ. મન સંતુષ્ટ થાય એટલું જમ્યા અને ફરી થોડીવાર ઠંડી હતી તો પણ બધા બહાર બેઠા. વાતો-વાતો વાતો અને થોડા સમય પછી થાક્યા હોવાના કારણે સૌ સુવા માટે જતા રહ્યા. થાક એવો હતો કે સીધી પડે સવાર. વહેલા વહેલા સૌ ઉઠ્યા અને ગરમાગરમ પાણીથી નહાઈ ને તૈયાર થયા. ૭:૩૦ વાગે તો અમને ગરમ ગરમ બટાકા પૌહા અને ચાનો નાસ્તો પણ સંસ્થા તરફથી આપી દેવામાં આવ્યો.







સવારે ફરી અરવિંદભાઈ ને મળ્યા અને ચા પીધી અને આભાર તેમજ ખુશી વ્યક્ત કરીને અમે સૌએ વિથોણથી વિદાઈ લીધી.
એક યાદગાર પ્રવાસ!











Thursday, 11 February 2016

સંતોક બા

તારીખ:૦૯-૦૨-૨૦૧૬
સ્થળ: ભરવાડવાસ - નવઘણભાઈની ડેરી

જાન્યુઆરી મહિનો પૂરો થયો અને સમયસર પગાર બેંકમાં જમા થયો એટલે હું મારા નિયમ પ્રમાણે બીલ ચૂકવી દઉં. બસ એ જ નિત્યક્રમરૂપે હું નવઘણભાઈની ડેરી પર ગયો. મન મળી ગયા હોવાથી બીલ ચુકવવાની સાથે સાથે એકાદ કલાકની બેઠક થાય તે અમારા માટે સ્વાભાવિક છે. અમારી મિત્રતા થવા પાછળ ઘણા કારણો છે પણ એક મુખ્ય કારણ કહું તો અમે મનના મેલા નથી એટલે અમારી જામે છે. નવઘણભાઈની એક વાત મને ખૂબ ગમે - સત્યને સત્ય તરીકે સ્વીકારે એ જ સાચો માણસ. આ વાત મને ખૂબ ગમે વળી તેમના વર્તનમાં પણ આ જ વાત જોવા મળે.
મૂળ વાત પર આવું તો તે દિવસે અમે બેઠા હતાં. એવામાં લગભગ ૯૦+ ઉંમરના એક "બા" આવ્યા. મેલા અને ફાટેલા કપડા, અસ્તવ્યસ્ત વાળ, શરીરમાંથી એક પ્રકારની ગંધ આવે,ઉમરના કારણે સાથ ન આપતું તેમનું જર્જરિત શરીર, ચામડી અને હાડકાને કોઈ સંબંધ ન હોય તેવી કૃષ કાયા અને તેમની પ્લાસ્ટિકની ૩-૪ થેલીઓ.
મહા મહેનત પછી એકાદ-બે થેલી ખોલી અને ખૂબ જ ધ્યાનપૂર્વક થોડી નોટ અને ઘણું બધું ચિલ્લર કાઢ્યું - એમ સમજોને જાણે મરણમૂડી કાઢી. ધીમે ધીમે તેઓ ગલ્લા નજીક આવ્યા અને બધા પૈસા નવઘણભાઈ સામે મૂકી દીધા. ભાંગીતૂટી ભાષામાં તેમણે નવઘણભાઈને બધા પૈસા ગણવા કહ્યું અને બધા પૈસાની સામે મોટી નોટ આપવાની વાત કરી. અનાયાસે મારી નજર તેમના પર હતી અને બીજે ક્યાંક જોવાનું મન પણ થતું ન હતું. થોડીવાર મનમાંને મનમાં બબડાટ કરતાં રહ્યા અને આમતેમ જોતા રહ્યાં. નવઘણભાઈએ પૈસા ગણ્યા - બે વાર ગણ્યા અને કહ્યું "માજી ૭૦૦માં ૧૦ ઓછા છે." એમ કહી તેમણે ૭૦૦ રૂપિયા આપ્યા.
ત્યાં સુધીમાં મારાથી રહેવ્યું નહી - તેમની પરિસ્થિતિ તો સમજી શકાય તેવી જ હતી તેમ છતાં મેં પૂછ્યું, : બા તમને કેટલા વર્ષ થયા? તેમનો જવાબ હતો - ભાઈ જેટલા થયા હોય એટલા - બસ હવે તો આ ખોડિયામાંથી જીવ નીકળવાની રાહ જોઈ રહી છું.
હું તેમની સામે જોઈ રહ્યો. તેઓ શાંત હતાં. ડેરીની બહાર નીચે બેસી ગયા અને પોતાની પ્લાસ્ટિકની થેલીમાં ૭૦૦ રૂપિયા મુકવા લાગ્યા. મારું મન અશાંત થઇ ગયું હતું. થોડી વાર પછી તેઓ બોલ્યા - બે દીકરા છે. લાખ રૂપિયાના દીકરા છે ભાઈ. મારું ખૂબ ધ્યાન રાખે. પણ વહુઓ માથાભારે છે. દીકરા થોડા આઘાપાછા થાય તો વહુઓ ખાવા પણ ન આપે. આ ઉંમરે ભીખ માંગવી પડે છે પણ શું થાય જીવ નીકળતો નથી. હું સાંભળતો રહ્યો. તેમણે વચ્ચે શ્વાસ લીધો અને ફરી બોલવાનું શરુ કર્યું. ત્રણ વર્ષ પહેલા મારા  ડોસા  જતા રહ્યા. હું એકલી  પડી ગઈ. શું કરું? આજીવન સાથે રહ્યા પણ છેલ્લે છેલ્લે તે આગળ થઇ ગયા. આખી જીંદગી ભીખ માંગીને જીવ્યા અને મને એકલી મુકીને ચાલ્યા ગયા. આ શરીર હવે ચાલતું નથી. ગોઠણથી પણ ઉપર સુધી પોતાનું પહેરણ ઊંચું કરીને મને તેમણે પોતાનો ઘા બતાવ્યો - એક પાટો બાંધ્યો હતો - થોડું લોહી રીસતું હતું. આ દર્દ મટતું નથી દીકરા અને કોઈ ડોક્ટર જોવા પણ તૈયાર નથી. તેમની આંખો ભીની થઇ ગઈ અને હું પણ અંદરથી ઢીલો પડી ગયો હતો.

ફરી થોડો શ્વાસ લીધો અને બોલવા લાગ્યા - હવે ખાઈ શકાતું નથી, બસ દૂધ કે છાસ પીને શરીરને ઢસડી રહી છું. ત્યાં જ તેમણે કહ્યું - મને કંઈ ઠંડુ પીવડાવશો? નવઘણભાઈએ એક કોલ્ડડ્રીંક આપ્યું. તેઓ ધીમે ધીમે પીવા લાગ્યા.
મેં પૂછ્યું બા! તમારું ગામ કયું? તેમના ચહેરા પર થોડી ખુશી આવી - મારું ગામ ભાવનગર દીકરા. મેં ફરી પૂછ્યું બા! તમારું નામ? હવે તેમને રડવું આવી ગયું. આંખમાં આંસુ સાથે અને એકદમ રડમસ અવાજે બોલ્યા - મારું નામ સંતોક. કેમ રડો છો બા? દીકરા આજે કેટલાય વર્ષો પછી મેં કોઈને મારું નામ કહ્યું. વર્ષો પછી  મારું સંતોક છે તે બોલી ત્યારે જાણે મારા નામે પણ મારો સાથ છોડી દીધો હોય તેવું લાગ્યું. મને મારું જ નામ આજે નવું લાગે છે. મેં કશું પણ વિચાર્યા વગર પર્સમાંથી ૧૦૦ ની નોટ કાઢીને તેમના હાથમાં આપી. અલા ભાઈ આ તો ૧૦૦ રૂપિયા છે. મેં કહ્યું રાખો બા તમારા માટે જ છે. ખુશ પણ થયા  અને રડતા પણ રહ્યા. થોડી વાર પછી તેઓ ફરી પોતાની પેલી પ્લાસ્ટિકની થેલીમાં પૈસા મુકવા લાગ્યા. બસ એક વાક્ય બોલ્યા - દીકરા તે મને સાડલો પહેરાવ્યો. હું  તેમની સામે જોઈ રહ્યો. તેઓ વધુ વાત કરવા ઈચ્છતા ન હતાં. ધીમે ધીમે શરીરને ટેકો આપતા આપતા તેઓ ઉભા થયા અને ડેરી પર પડેલી ખારીબિસ્કીટ ના પેકેટ પર હાથ મુક્યો. મેં પૂછ્યું જોઈએ છે? તેમણે હા પડી. મેં કહ્યું લઇલો હું પૈસા આપી દઈશ.
અહોભાવથી તેઓ મારી સામે અને હું તેમની સામે જોઈ રહ્યો. જતા જતા તેમણે માત્ર આકાશ તરફ એક આંગળી કરી અને મને અંતરથી આશીર્વાદ જાણે આપી રહ્યા હોય તેમ જોઈ રહ્યા.
મને એક આત્મ સંતોષની લાગણી અનુભવાઈ અને ત્યાંથી ઘર તરફ ચાલી નીકળ્યો.