Tuesday, 18 November 2014

એક કરામત – દિવસ અને રાત



જીવનપર્યંત સાથ આપે તેવી વસ્તુઓ ખૂબ ઓછી હોય છે. તમે જાતે જ એક લીસ્ટ બનાવશો તો ખ્યાલ આવશે. મારા ધ્યાનમાં આવતી કેટલીક બાબતો, ઘટના કે વસ્તુઓ લઈએ તો આપણા શ્વાસ, આપણું શરીર, આપણું નામ, આપણો મૂળ સ્વભાવ જીવનપર્યંત આપણી સાથે રહે છે. આ દરેકનો  અંત એક જ ઝાટકે, એક જ ક્ષણમાં આપણા મૃત્યુ સાથે આવે છે. આમાંથી એક પણ તમારો સાથ કોઈ રીતે છોડશે નહિ. આ દરેક બાબત તમારા અસ્તિત્વના પુરાવા સમાન છે અને તમારા વ્યક્તિત્વના ઓળખાણકાર છે. આ ઉપરાંત એક બાબત એવી છે જે આપણી સાથે આજીવન સાથે નિભાવે છે – દિવસ અને રાત.
દિવસ અને રાત અનાદિળથી ચાલતું રહેતું એક ચક્ર છે જે આપણી પહેલા પણ હતું, આપણી સાથે પણ છે અને આપણા જતા રહ્યાં પછી પણ હશે. આપણે અલ્પજીવી છીએ તેથી દિવસ અને રાતનો સાથ આપણા જન્મથી મરણ સુધી રહે છે. એક રીતે જોતા આપણે હંમેશા બેમાંથી કોઈ એકની પસંદગી સાથે જીવવા માટે ટેવાયેલા છીએ જેમ કે સુખ અથવા દુઃખ, ચડતી અથવા પડતી, સફળતા અથવા નિષ્ફળતા, વિકાસ અથવા વિનાશ, શાંત અથવા ઉગ્ર, સારું અથવા ખરાબ, કાળું અથવા ધોળું, ચાલેશે અથવા બિલકુલ નહિ ચાલે, પસંદ અથવા નાપસંદ, મિત્ર અથવા શત્રુ વગેરે વગેરે. તમે ધ્યાનથી આ જોડીઓને જોશો તો ખ્યાલ આવશે કે બંને વિકલ્પો તમારા માટે સમાન તક પૂરી પાડે છે, બંને વિકલ્પો તમારા હાથમાં છે, તમારા નિયંત્રણમાં છે પરંતુ દિવસ અને રાત આપણા હાથમાં નથી, આપણા નિયંત્રણમાં નથી તેમ છતાં બંનેની અગત્યતા આપણા જીવનમાં એક સમાન છે.
દિવસ એટલે શું? સૂર્યની હાજરી એટલે દિવસ. દિવસ એ પ્રકાશ, ઊજાસ, અજવાળાનો સમાનર્થી છે. દિવસ પ્રત્યે આપણે થોડો સકારાત્મક પક્ષપાત રાખીએ છીએ. દિવસ એટલે ઉષ્મા અને ઊર્જાનો જાણે પર્યાય. દિવસ એટલે જાણે જીવંતતા. દિવસ એટલે કદાચ આપણો દૈનિક જન્મ. સવાર પડતા જ આપણે જાગી જઈએ એટલે એવું લાગે જાણે આપણો નવો જન્મ થયો. જાગ્યા પહેલાની એક ક્ષણ પહેલા તમે હતા કે ન હતા તેનો ખ્યાલ પણ તમને નથી હોતો પરંતુ સૂર્યનો પ્રકાશ જેવો તમારી આંખ પર પડે છે, આંખ અંજાઈ જાય છે અને તમે જાગી જાઓ છો. આ ક્ષણ એટલે આપણા દિવસની શરુઆત – આપણો તાજો જન્મ. આંખ ખુલતાં જ બધું પ્રકાશમય થઈ જાય છે. વાહ ! શું દિવસ છે !
દિવસ એટલે મહેનત કરવાનો મોકો. સવારની આળસ ખંખેરીને મહેનતના મોઝા પહેરવા એટલે દિવસ. રાત્રે જોયેલા સ્વપ્નો દિવસે ધ્યેયનું સ્વરૂપ ધારણ કરી લે છે. મન, બુદ્ધી અને શરીર એમ ત્રણેય માત્ર એક જ દિશામાં તાલમેલ સાથે દોડે એટલે દિવસ. દિવસ એટલે જાણે રાજા જે પોતાના અજવાળામાં દરેકની ચમકને ઢાંકી દે. જેમ રાજા સામે કોઈના પ્રભાવની ચમક ટકતી નથી તેમ દિવસના અજવાળામાં કોઈની ચમક દેખાતી નથી. દિવસ એટલે ઉષ્મા અને ઊર્જા. સૂર્યની ગરમી અને માણસની મહેનત જાણે સાથે મળીને ઉષ્મા અને ઊર્જા ઉત્પન્ન કરતા હોય છે. કદાચ એટલે જ જયારે આપણું કોઈ કામ થતું નથી ત્યારે આપણું મગજ તપી જાય છે. દિવસ એટલે ધમધમાટ.
દિવસની સામેના પલડામાં જોશો તો મળશે રાત. રાત એટલે શું? સૂર્યની ગેરહાજરી એટલે રાત. અહી ચંદ્રની હાજરી એટલે રાત એમ ન કહી શકાય કારણે કે ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી અને વળી, તેનો પ્રકાશ પણ ચંદ્રની કળા પ્રમાણે વધઘટ થાય છે. રાત એટલે જાણે અંધકારનો સમાનર્થી. રાત પ્રત્યે આપણે કદાચ થોડા નકારાત્મક ભાવ ધરાવીએ છીએ. રાત એટલે જાણે શીતળતા અને સુસ્તીનો પર્યાય. રાત એટલે જાણે નિર્જીવતા. રાત એટલે કદાચ આપણું દૈનિક મૃત્યુ. રાતે સુઈ ગયા પછી આપણે આપણા અસ્તિત્વથી પણ અજાણ બની જઈએ છીએ. વિજ્ઞાને ગમે તેટલો વિકાસ કર્યો પરંતુ આજ સુધી આપણે ક્યારેય નથી જાણી શક્ય કે ઊંઘ ક્યારે આવી ગઈ. સજાગ અને નિંદ્રાધીન વચ્ચેની આ ક્ષણ કોઈ હજુ સુધી નોંધી શક્યું નથી. લોકો જાગતા ઊંઘી શકે છે પરંતુ ઊંઘતા જાગી નથી શકતા. રાતનો અંધકાર તમારી આંખમાં ભરાય છે, આંખ ઘેરાય છે અને તમે સુઈ જાઓ છો. આ ક્ષણ એટલે આપણી ઊંઘ, આપણી નિંદ્રા. આંખો બંધ થતા બધું જ અંધકારમય અને ચારે બાજુ અંધારું છવાય જાય છે. વાહ ! કેટલી સરસ રાત છે !
રાત એટલે આરામ. આખા દિવસનો થાક તમને મીઠી નિંદ્રા આપે છે. આપણે આરામની ઓઢણીમાં આથમી જઈએ છીએ. દિવસના વિચારેલા ધ્યેય રાતે ફરી સપના બનીને આવે છે, તમને આનંદ આપે છે, સફળતા તરફ વધારે અને વધારે જવાની તાલાવેલી આપે છે. રાત મન અને શરીરની વચ્ચે જરૂરી હોય તેટલા જ સંબંધોને જાળવીને તમને સુવડાવી દે છે. તમારું શરીર “ઓટો પાયલોટ”ની અવસ્થામાં કામ કરવા લાગે છે. દિવસની બધીજ તકલીફો, દુઃખ, સુખ, ચર્ચા, વાદ-વિવાદ, વાંધા-વચકા, દલીલ, ઝગડાને રાત પોતાના અંધકારમાં ઓગળી નાંખે છે. રાત માત્ર એક જ રંગને ઓળખે છે – કાળા રંગને. તમારી દિવસની રંગીન દુનિયા રાતે એકરંગી બની જાય છે – કાળા રંગની. ચંદ્રની શીતળતા અને તમારી નિષ્ક્રિયતા તમને ઠંડક આપે છે, તમે શાંત થઈ જાઓ છો. રાત એટલે ઘસઘસાટ ઊંઘ. રાત એટલે જાણે આપણું અલ્પ મૃત્યુ. રાતે આપણે લગભગ નિશ્ચેતન બની જઈએ છીએ. રાત ખૂબ જરૂરી છે. રાત આપણને બીજા દિવસ માટે તૈયાર કરી દે છે. દિવસે તમે તમારી જાતને અસ્તવ્યસ્ત કરવામાં મસ્ત રહો છો તેને રાત વ્યવસ્થિત કરી દે છે. રાત પૂરી અને વાત પૂરી તેમ કહેવા કરતા રાત પૂરી અને વાત શરૂ એમ વધારે યોગ્ય લાગે છે.
દિવસનું આથમવું અને રાત પૂરી થવાનો સમય ખૂબ જ આહલાદ્ક અને રંગીન હોય છે – એક છે સંધ્યા અને બીજું છે પરોઢ-  બને તો બંનેને માણજો.
મીનીકટ : દિવસ-રાત આપણી સાથે દિવસ-રાત રહે છે.
અસ્તુ!

3 comments:

  1. અરે વાહ સર સરસ લખાણ.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. ખૂબ સરસ લખ્યું છે....

    ReplyDelete