Saturday, 14 October 2017

ડીડી ગિરનાર ચેનલ પર આપણી વાત કાર્યક્રમ-૦૧


મિત્રો, ડીડી ગિરનાર ચેનલ પર શ્રી સુરેશભાઈ પુનડીયા (ગ્રામયાત્રી) સાથે કરેલી વાતચીતનો વિડીઓ અહીં મૂકી રહ્યો છું. આશા રાખું છું આપ સૌને પસંદ આવશે.

Sunday, 19 March 2017

દલિત શબ્દ અંગે


દલિત શબ્દ મરાઠી ભાષામાંથી આવ્યો છે અને તેનો અર્થ "તળિયું", "દબાયેલું", "કચડાયેલું" અને "તૂટેલા ટુકડા" થાય છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ઓગણીસમી સદીમાં જ્યોતિરાવ ફુલેએ કર્યો હતો. દ્વિજ હિંદુઓની અગાઉની અછુત જાતો દ્વારા સહન કરવામાં આવેલ દમનના સંદર્ભે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વિક્ટર પ્રેમસાગરના જણાવ્યા અનુસાર આ શબ્દ જાતિની "નબળાઈ, ગરીબી અને ભારતીય સમાજમાં ઉંચી જાતો દ્વારા થતાં અપમાનને વ્યક્ત કરે છે." મોહનદાસ ગાંધીએ અગાઉના અસ્પૃશ્યોની ઓળખમાં હરીજન શબ્દ આપ્યો હતો. જેનો અંદાજીત અર્થ "ભગવાનના બાળકો" થાય છે. પહેલાના અસ્પૃશ્યો અને આદિવાસીઓને ગણવા ભારતના સરકારી દસ્તાવેજોમાં તેમને "અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ" (એસસી/એસટી)શબ્દનો ઉપયોગ થાય છે. જો કે, વર્ષ 2008માં નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટે નોંધ્યું હતું કે દલિત શબ્દનો ઉપયોગ સત્તાવાર શબ્દ શેડ્યૂલ કાસ્ટ સાથે પરસ્પર થતો હતો. તેમણે આ શબ્દને ગેરબંધારણીય ગણાવીને રાજ્ય સરકારોને તેના ઉપયોગનો અંત લાવવા માટે જણાવ્યું હતું. આદેશ બાદ, છત્તીસગઢ સરકારે દલિત શબ્દના સત્તાવાર ઉપયોગનો અંત લાવી દીધો હતો.

સત્તાવાર દસ્તાવેજોમાં પહેલાના અસ્પૃશ્યોનો ઉલ્લેખ કરવા માટે તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અનુક્રમે "આદી દ્રવિડ", આદિ કર્ણાટક અને આદિ આંધ્રા શબ્દોનો ઉપયોગ થાય છે. આ શબ્દો અને તેમાં મુખ્યત્વે "આદિ" શબ્દ રાજ્યના મૂળ નિવાસીનો નિર્દેશ કરે છે. વધુ સામાન્ય શબ્દ, આદિવાસી સંસ્કૃત શબ્દ આદિ પરથી આવ્યો છે. આદિ અર્થાત આદિકાળનું, મૂળ, "પ્રથમ + બસ" ક્રિયાપદનો મૂળ અર્થ બેસવું, સ્થાયી થવું અથવા રહેવું થાય છે. જે આદિવાસીઓને ભારતના મૂળ વતની તરીકે દર્શાવે છે. જો લોકો પોતાને દલિત તરીકે ઓળખાવે છે તે પોતાને આદિવાસી તરીકે પણ ઓળખાવી શકે છે પરંતુ સમાનતમાં તફાવત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિનો છે. જેમાં કેટલાક આંતરિક ભાગો છે પરંતુ આ બંને ચોક્કસ સામાજીક ઓળખો છે. 
(પ્રિય વિદ્યાર્થીઓમાંના એક - હર્ષ ચાવડા દ્વારા મળેલ માહિતી)

Thursday, 9 March 2017

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે એક અંગત મંતવ્ય:


આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે એક અંગત મંતવ્ય:
સ્ત્રી અને પુરુષની દરેક બાબતને જે બહેનો વિરોધાભાસ અને નકારાત્મક દ્રષ્ટિકોણથી જુએ છે તેમણે સંવાદ સ્થપાય તેવા પ્રયત્નો કરવા જોઈએ નહી કે વિવાદ. ઘર અને સમાજ વ્યવસ્થાને ચલાવવાની જવાબદારી સ્ત્રી અને પુરુષરૂપી બે પૈડાઓ પર છે. તેથી બંને પૈડાઓ વચ્ચે સંવાદિતા હોય તો જ ગાડી આગળ ચાલે. આજે સોશિયલ મીડિયા સંદેશાઓથી ભરાઈ જશે પણ માત્ર શુભેચ્છાઓ પાઠવી પાઠવીને કોઈ સુધારો આવે તેવી શક્યતા ઓછી છે. કુદરતે બંને પાત્રોની રચના અલગ (અહીં અલગ નો અર્થ ક્ષમતાની દ્રષ્ટીએ અસમાન તદ્દન ન કરવો) રીતે કરી હશે તો કંઈક સમજી વિચારીને જ કરી હશે. જે સંસ્થાઓ સ્ત્રીઓને પુરુષ વિરોધી બનાવી દેવાના ભયંકર પ્રયત્નો કરી રહી છે તે બહેનોનું હિત ઓછું અને નુકશાન વધારે કરી રહી છે. આજે આ વાત ઘણાને ખૂંચશે પણ લાંબા ગાળે સમજાશે. સદીઓ પછી એવો સમાજ ન બની જાય કે પુરુષોના અધિકારો માટે આંતર રાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવાનો વારો આવે. કહેવાનો અર્થ કે બંનેમાંથી કોઈએ પોતાને એકબીજાના હરીફ માનવાની તદ્દન જરૂર નથી. સમજણ અને સન્માનપૂર્વક રીતે સાથે જીવન જીવવાની જરૂર છે. જીવન એક છે અને તે જીવવા માટે છે. મહિલા જાગૃતિ અને મહિલાઓને ભડકાવવા વચ્ચેનો તફાવત સમજીને કામ કરવું તે સૌની જવાબદારી છે.
દરેક યુદ્ધનો અંત અંતે તો ક્ષમા અને શાંતિ જ હોય છે. ખુવારી બંને પક્ષે થાય છે, નુકશાન બંને પક્ષે થાય છે. જીતીને પણ જીવવાનું હોય અને હારીને પણ જીવવાનું હોય તો શા માટે માત્ર જીવવાનું જ પસંદ ન કરીએ? “આંતર રાષ્ટ્રીય સ્ત્રી-પુરુષ સંવાદીતા દિવસ”ની ઉજવણી રોજ થાય તેવી શુભેચ્છા સાથે.
હવે ઉપરોક્ત વિચારમાં પણ ઘણા સહમત ન થાય તો કોઈ વાંધો નથી કારણ કે આ એક અંગત મંતવ્ય છે.
-મિતેશ સોલંકી

Friday, 17 February 2017

ભારતનું બંધારણ - ભાગ-૨ – નાગરિકતા

ભારતનું બંધારણ - ભાગ-૨ – નાગરિકતા
આર્ટીકલ-૫ : બંધારણની શરૂઆતથી નાગરિકતા
નાગરિકતાનું મહત્વ શું છે? તે સમજવું ખુબ જરૂરી છે. માત્ર નાગરિકતાને લગતા આર્ટીકલ યાદ રાખી લેવાથી કદાચ બંધારણનો નાગરિકતા આપવા પાછળનો હેતુ આપણે યોગ્ય રીતે ન સમજી શકીએ.
·         નાગરિકતા ધરાવતો વ્યક્તિ જ દેશના સર્વોચ્ચ સ્થાન જેવા કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ન્યાયધીશ, રાજ્યપાલ જેવા અગત્યના સ્થાન પર નિમણુંક પામી શકે છે.
·         નાગરિક હોય તે વ્યક્તિ જ દેશમાં ઉમેદવારી નોંધાવી શકે છે તેમજ મત આપી શકે છે.
·         બંધારણ દ્વારા આપવામાં આવેલ મૂળભૂત હક માત્ર નાગરિકતા ધરાવતા વ્યક્તિને જ મળે છે.
વિશેષતા: ભારતમાં એક જ નાગરિકતાને સ્વીકારવામાં આવી છે. આપણે માત્ર અને માત્ર ભારતીય જ છીએ. હું ગુજરાતી, મરાઠી, પંજાબી નથી પણ હું ભારતીય જ છું. 
સમજૂતી: 
·                     જો વ્યક્તિ ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મ્યો હોય તો તે ભારતીય છે. 
·                     વ્યક્તિના માતા અથવા પિતામાંથી કોઈ એક ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મ્યા હોય તો વ્યક્તિ ભારતીય છે.
·                     બંધારણ અમલમાં આવ્યું (૨૬ જાન્યુઆરી, ૧૯૫૦) તે પહેલાના ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતમાં એક સામાન્ય નાગરિક તરીકે રહેતી વ્યક્તિ ભારતીય છે.
આર્ટીકલ-૬ : પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હોય તે વ્યક્તિની નાગરિકતા અંગે
·                     એક અખંડ દેશના બે ભાગ પડ્યા ત્યારે બંધારણે આર્ટીકલ-૫ દ્વારા ભારતમાં જન્મ દ્વારા જોડાયેલ વ્યક્તિને
નાગરિકતા આપવાની સ્પષ્ટતા તો કરી દીધી પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે વિભાજન સમયે
અનેક લોકો ભારતમાંથી પાકિસ્તાનમાં તેમજ પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતરીત થયા હતાં.
·                     આ વિષય તે સમય ખૂબ સંવેદનશીલ હતો તેથી બંધારણ દ્વારા કોઈ એક ચોક્કસ સીમા રેખા નક્કી કરીને
સ્થળાંતર કરીને પાકિસ્તાનથી ભારત આવેલ નાગરિકની નાગરિકતા અંગે સ્પષ્ટતા કરવી જરૂરી હતી.
·                     ઉપરોક્ત વિષયના સંદર્ભે બંધારણે આર્ટીકલ-૬ની રચના કરી.
વિશેષતા: ૧૯ જુલાઈ ૧૯૪૮ તારીખની પહેલા અથવા પછી – ભારતીયતાની લક્ષ્મણ રેખા  
સમજૂતી: 
·                     ૧૯ જુલાઈ ૧૯૪૮ પહેલા સ્થળાંતરકર્યું હોય (૧૮ જુલાઈ ૧૯૪૮ સુધીમાં સ્થળાંતર કર્યું હોય તેવા વ્યક્તિ માટે જ) તેવા લોકો માટે નીચે મુજબની લાયકાત ભારતીયતા મેળવવા માટે જરૂરી હતી. 
·                     જો વ્યક્તિના માતા અથવા પિતાનો જન્મ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩૫માં સીમાંકિત ભારતમાં થયો
હોય અને ૧૯ જુલાઈ ૧૯૪૮ની તારીખે વ્યક્તિ ભારતમાં રહેતી હોય તો તે ભારતીય ગણાશે.
·                     જો વ્યક્તિ ૧૯ જુલાઈ ૧૯૪૮ કે તેના પછી ભારતમાં સ્થળાંતરીત થયો હોય તો ભારતીયતા મેળવવા માટે નીચે મુજબની લાયકાત જરૂરી હતી.
·                     વ્યક્તિ સ્વયં / માતા અથવા પિતા / દાદા અથવા દાદીમાંથી કોઈ એક નો જન્મ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩૫માં સીમાંકિત ભારતમાં થયો હોય તો વ્યક્તિ ભારતીય ગણાશે.
·                     વ્યક્તિએ ભારતીય નાગરિકત્વ મેળવવા માટે અરજી કરેલી હોય.
·                     વ્યક્તિ ભારતમાં ઓછામાં ઓછા ૬ મહિનાથી રહે છે તે સાબિત કરવું પડે.
·                     ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩૫ અથવા બંધારણ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા નિમણુંક અધિકારીએ નાગરિક તરીકે વ્યક્તિની નોંધણી કરી હોય તે જરૂરી છે.
·                     અહીં “દરેક વ્યક્તિ” શબ્દમાં કેદી તેમજ સશસ્ત્ર સેનાનીનો પણ સમાવેશ થાય છે.
આર્ટીકલ-૭ : પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિની નાગરિકતા અંગે
વિશેષતા: ૦૧ માર્ચ ૧૯૪૭ – ભારત-પાકિસ્તાન-ભારત 
સમજૂતી:
·                     આ આર્ટીકલ વિશેષ છે તેમજ આર્ટીકલ-૫ની ઉપરવટ જાય છે.
·                     ૦૧ માર્ચ ૧૯૪૭ પહેલા જો વ્યક્તિ ભારતથી પાકિસ્તાન સ્થળાંતર કરી ગઈ હશે અને આર્ટીકલ-૫ ની જોગવાઈ અનુસાર ભારતીય નાગરિક બનવાની લાયકાત ધરાવતી હશે તો પણ તે ભારતીય ગણાશે નહિ. 
·                     પરંતુ અપવાદરૂપ જો વ્યક્તિ કોઈ વ્યક્તિ પુનઃ વસવાટ અથવા કાયમી પુનરાગમનની મંજૂરી સાથે ભારતમાં
આવેલ હોય તેમજ આર્ટીકલ-૬ મુજબ ૧૯ જુલાઈ ૧૯૪૮પછીની તમામ શરતોનું પાલન થતું હોય તો તે
વ્યક્તિ ભારતીય નાગરિકત્વ મેળવી શકે છે.
આર્ટીકલ-૮ : ભારતની બહાર વસતી પરંતુ ભારતીય મૂળ ધરાવતી વ્યક્તિની નાગરિકતા અંગે
વિશેષતા: માતૃભૂમિ સાથેનું કોઈ પણ રીતેનું જોડાણ વ્યક્તિને ભારતીય બનવામાં મદદરૂપ થાય. 
સમજૂતી:
·                   ·                     વ્યક્તિ સ્વયં / માતા અથવા પિતા / દાદા અથવા દાદીમાંથી કોઈ એક નો જન્મ ગવર્નમેન્ટ ઓફ
ઇન્ડિયા એક્ટ-૧૯૩૫માં સીમાંકિત ભારતમાં થયો હોય અને વર્તમાન સમયમાં તે અન્ય દેશમાં વસવાટ કરતો હોય પરંતુ જો તેણે અન્ય દેશમાં (જ્યાં તે હાલમાં વસે છે) ભારતના સરકારી પ્રતિનિધિને બંધારણના અમલ પહેલા (૨૬ જાન્યુઆરી ૧૯૫૦) ભારત સરકાર દ્વારા નિયત અરજીપત્રક દ્વારા ભારતના નાગરિક તરીકેની નોંધણી કરેલી હોય તો તે વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે.
આર્ટીકલ-૯ : પોતાની ઈચ્છાથી અન્ય રાષ્ટ્રની નાગરિકતા સ્વીકાર કરનાર વ્યક્તિની નાગરિકતા અંગે
વિશેષતા: સ્વેચ્છાએ ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરવો. 
સમજૂતી:
·                     બંધારણ એક જ નાગરિકત્વને માન્યતા આપે છે.
·           આર્ટીકલ-૩૬૭માં વ્યાખ્યા કર્યા પ્રમાણેનું ભારત સિવાયનું કોઈ પણ રાજ્ય એટલે વિદેશી રાજ્ય.
·           કોઈ વ્યક્તિ ભારતની નાગરિક હતી અને પોતાની ઈચ્છાથી વિદેશી નાગરિકતા મેળવી તેથી તેની ભારતીયતા ગુમાવશે કે નહિ તે અંગે નિર્ણય લેવાની આખરી સત્તા કેન્દ્ર સરકાર પાસે છે.
·               ઉપરોક્ત બાબત અંગે કેન્દ્ર સરકારના નિર્ણય ને અદાલતમાં અથવા આર્ટીકલ-૩૨ અંતર્ગત રીટ દ્વારા પણ પડકારી શકાશે નહિ.
આર્ટીકલ-૧૦ : નાગરિકતાના અધિકારોની જાણવણી અંગે
વિશેષતા: ભારતીય નાગરિકત્વનું અભય કવચ
સમજૂતી:
·         ભારતીય નાગરિકતા ધારો-૧૯૫૫ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે.
·         જે વ્યક્તિએ બંધારણના આર્ટીકલ-૫, ૬, ૭ અથવા ૮ દ્વારા ભારતની નાગરિકતા મેળવી હોય તેની નાગરિકતા સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ કાયદા સિવાય અન્ય કોઈ રીતે રદ કરી શકાય નહિ.
·          આ આર્ટીકલ ભારતીય નાગરિકત્વને સંસદ દ્વારા રક્ષણ પૂરું પાડે છે.
આર્ટીકલ-૧૧ : નાગરિકત્વના હકનું સંસદીય કાયદા દ્વારા નિયમન કરવા અંગે
વિશેષતા: ભારતીય નાગરિકત્વ માટે સંસદ સર્વોપરી
સમજૂતી:
·          કોઈ વ્યક્તિને ભારતીય નાગરિકત્વ આપવું અથવા કોઈનું નાગરિકત્વ રદ કરવું તેમજ આ બાબત સાથે સંલગ્ન કોઈ પણ વિષય પર સર્વગ્રાહી કાયદો ઘડવાની સત્તા માત્ર સંસદ પાસે જ છે.

Thursday, 16 February 2017

ભારતનું બંધારણ - ભાગ-૧ - સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર

 આર્ટીકલ-૧ : સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર
ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો એક સંઘ રહેશે.
વિશેષતા: ભારત સંઘની રચના પસંદગીથી થઇ છે મજબૂરી, દબાણ કે કરારથી  નહીં. 
સમજૂતી: 
  • બંધારણમાં "સમવાય તંત્ર"ના બદલે "સંઘ" શબ્દ ખૂબ જ બુદ્ધિપૂર્વક પ્રયોજવામાં આવ્યો છે. 
  • ભારત વિભાજીત કરી શકાય તેવા રાજ્યોથી બનેલ એક અવિભાજિત રાષ્ટ્ર છે.
  • સમવાય તંત્રમાં રાજ્યોને સ્વતંત્ર થવાની છૂટ છે જે સંઘીય રચનામાં નથી જોવા મળતી.
  • ભારતના રાજ્યો કોઈ કરાર દ્વારા એકબીજા સાથે જોડાયેલા નથી પરંતુ પોતાની સંમતિથી સંઘના સભ્યો બનેલા છે.
  • ભારતના રાજ્યોની ભૌગોલિક સીમા તેમજ વિસ્તાર પરિવર્તનશીલ છે અને તેમાં ફેરફાર કરવાની સત્તા સંસદમાં છે.
  • ભારતીય બંધારણ કોઈ પણ રાજ્યની સીમા યથાવત રાખવાની કોઈ ખાતરી આપતું નથી.
  • ભારતીય સંઘ અંતર્ગત ભૂમિને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે. 
  • (અ) : રાજ્યની ભૂમિ
  • (બ) : કેન્દ્રીય ભૂમિ
  • (ક) : કેન્દ્ર દ્વારા સંપાદન કરવામાં આવે તે ભૂમિ
આર્ટીકલ-૨ : નવા રાજ્યો ઉમેરવા અથવા સ્થાપના કરવી
કેન્દ્રને જરૂર જણાય તો સંસદની મદદથી નવા રાજ્યોને ભારતીય સંઘમાં ઉમેરી શકશે અથવા નવા રાજ્યની સ્થાપના કરી શકશે.
વિશેષતા: ભારતના વિસ્તારમાં સમાવિષ્ટ ન હોય તેવા વિસ્તારમાંથી રાજ્યની રચના 
સમજૂતી: 
  • સંસદ પાસે ઉપરોક્ત વિષયમાં બે મહત્વની સત્તા રહેલી છે.
  • (અ) : નવા રાજ્યને કેન્દ્રમાં ઉમેરવાની સત્તા
  • (બ) : નવા રાજ્યની નવરચના કરવાની સત્તા
  • સંસદ વિવેકાધીન રીતે અને યોગ્ય જણાય તે રીતે  આ સત્તાનો ઉપયોગ કરીને રાજ્યની સ્થાપના કરશે.
  • ભારત કોઈ પ્રદેશ જીતે, કોઈ પ્રદેશ ભારત સાથે પોતાની ઈચ્છાથી ભળી જાય, કોઈ પ્રદેશ ભારતને બક્ષિશ, દાન અથવા ભેંટ તરીકે મળે તો તે ભૂમિ વિસ્તારને સંસદ વિવેકાધીન રીતે રાજ્યમાં પરિવર્તિત કરશે.
આર્ટીકલ-૩ : નવા રાજ્યોની રચના, અસ્તિત્વમાં રહેલ રાજ્યની સીમા અથવા નામમાં ફેરફાર
સંસદ કાયદા દ્વારા નીચેની સત્તાનો ઉપયોગ કરી શકે છે અને નવા રાજ્યની રચના કરી શકે છે.
વિશેષતા: ભારતના વિસ્તારમાં સમાવિષ્ટ  હોય તેવા વિસ્તારમાંથી રાજ્યની રચના
સમજૂતી: 
(ક)
  • કોઈ પણ રાજ્યની ભૂમિને અલગ કરીને
  • બે અથવા બે કરતાં વધારે રાજ્યની ભૂમિને ભેગી કરીને
  • કોઈ રાજ્ય સાથે અન્ય ભૂમિ જોડીને 
(ખ) વર્તમાન રાજ્યની સીમામાં વધારો કરી શકે છે.
(ગ) વર્તમાન રાજ્યની સીમમાં ઘટાડો કરી શકે છે.
(ઘ) વર્તમાન રાજ્યની સીમાઓમાં ફેરફાર કરી શકે છે.
(ચ) વર્તમાન રાજ્યના નામમાં ફેરફાર કરી શકે છે.

રાજ્યોની સીમમાં ફેફર કરવાની પરિસ્થિતિમાં અસર પામતા રાજ્યોનો અભિપ્રાય લેવામાં આવે છે પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશની સીમાઓમાં ફેરફાર કરવા માટે કેન્દ્રશાસિત પ્રદેશનો અભિપ્રાય લેવો જરૂરી નથી કારણ કે તે કેન્દ્ર સરકાર દ્વારા જ સંચાલિત હોય છે.
આર્ટીકલ-૪ : આર્ટીકલ-૨ તેમજ ૩ દ્વારા રચવામાં આવેલ રાજ્ય તેમજ વિધાનસભાની બેઠકમાં થતા આનુષંગિક ફેરફાર માટે જોગવાઈ કરવા અંગે
વિશેષતા: અનુસૂચિમાં કરવામાં આવતા ફેરફાર બંધારણીય સુધારા નથી.
બંધારણની પહેલી અનુસૂચિમાં ભારતના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની યાદી આપવામાં આવી છે.
બંધારણની ચોથી અનુસૂચિમાં રાજ્યને ફાળવવામાં આવેલ રાજ્યસભાની બેઠકોની વિગત આપવામાં આવી છે.
  • આર્ટીકલ-૨ તેમજ ૩ દ્વારા નવા રચવામાં આવેલ રાજ્યના અનુસંધાને પહેલી તેમજ ચોથી અનુસૂચિમાં  કરવા પડતા ફેરફારને આર્ટીકલ-૩૬૮ અંતર્ગત બંધારણીય સુધારો ગણવામાં નથી આવતો.

Wednesday, 15 February 2017

સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે...1


સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે...
ISRO
ISRO - PSLV-C-37


  1. ISRO ૧૦૪ ઉપગ્રહને અંતરીક્ષમાં એક સાથે છોડીને ઈતિહાસ રચી દીધો.
  2. આ ઉપગ્રહો PSLV-C-37 પ્રક્ષેપાત્ર દ્વારા તેની 39મી સફરમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી સફળતાપૂર્વક અંતરિક્ષમાં છોડવામાં આવ્યા.
  3. ૧૦૪ ઉપગ્રહોમાં ત્રણ ઉપગ્રહો ભારતના હતાં જયારે ૧૦૧ ઉપગ્રહો અન્ય દેશોના હતાં.
  4. ભારતના ત્રણ ઉપગ્રહો – પૃથ્વીના નકશાના અભ્યાસ માટે કાર્ટોસેટ-૨ (મુખ્ય ઉપગ્રહ) અને અન્ય બે નાના ઉપગ્રહ – INS-1A અને INS-1B હતા.
  5. અન્ય ઉપગ્રહોમાં ૯૬ – અમેરિકાના, ૧ – ઈઝરાઈલ, ૧ – કઝાકિસ્તાન, ૧ – નેધરલેંડ, ૧ – સ્વિત્ઝરલેન્ડ અને ૧ – યુ.એ.ઈ.નો ઉપગ્રહ હતો.
  6. અમેરિકાના લગભગ ૯૦ નાના ઉપગ્રહો અમેરિકાસ્થિત કંપની પ્લેનેટ ઇન્ક. ના હતાં. તેમના નામ “Doves” રાખવામાં આવ્યા છે અને તે ઉપગ્રહોની મદદથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લેવામાં આવશે.
  7. સૌ પ્રથમ કાર્ટોસેટ-૨ (૭૭૪ કિગ્રા) અને ત્યાર બાદ ૧૦૩ (૬૬૪ કિગ્રા) અન્ય ઉપગ્રહોને અંતરિક્ષમાં પૃથ્વીથી લગભગ ૫૨૦ કિમી. દુર આવેલ SSO (Sun Synchronous Orbit)માં તરતાં મુકવામાં આવ્યા.
  8. કાર્ટોસેટ-૨ પાંચ વર્ષ સુધી રીમોટ સેન્સીંગની સેવા આપશે. તેના લીધે દરિયાઈ કાંઠાની જમીન, તેનો ઉપયોગ, નિયમન, રસ્તાઓનું નેટવર્ક તેમજ નકશા બનાવવામાં મદદ મળી રહેશે.
  9. INS-1A: આ ઉપગ્રહ Surface Bidirectional Reflectance Distribution Function Radiometer સાથે અંતરિક્ષમાં મુકવામાં આવ્યો છે.
  10. INS-1B : આ ઉપગ્રહ Earth Exosphere Lyman Alpha Analyzer સાથે અંતરિક્ષમાં મુકવામાં આવ્યો છે.
  11. PSLV-C-37: ૪૪.૪ મીટર ઉંચાઈ અને ૩૨૦ ટનનું વજન ધરાવે છે. આ રોકેટ ભારતનું સૌથી શક્તિશાળી રોકેટ છે જે પહેલા ચંદ્રયાન તેમજ મંગળ અભિયાન માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.
  12. વર્ષ ૨૦૧૪માં રશિયાએ એકસાથે ૩૭ ઉપગ્રહો છોડવાનો રેકોર્ડ બનાવેલ હતો જેમાં ઇન્ટર કોન્ટીનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવેલ હતો.
  13. ISRO દ્વારા વર્ષ જૂન, ૨૦૧૬માં એક સાથે ૨૦ ઉપગ્રહો છોડવામાં આવ્યા હતાં.