Monday, 11 January 2016

એક વિશિષ્ટ મુલાકાત - શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ, સુરેન્દ્રનગર

તારીખ:૧૦-૦૧-૨૦૧૬
સ્થળ:શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ, સુરેન્દ્રનગર
સાથીદાર તેમજ ભાગીદાર : આદરણીય શ્રી જોરાવરસિંહજી, તેમના શ્રીમતીજી, અશોકભાઈ ઠક્કર, શ્રીમતિ હિમાબહેન નાકરાણી

આજનો આ બ્લોગ સંવેદનાનું સીધું જ નિરૂપણ છે. આ બ્લોગ લખતી વખતે શબ્દો મેં શોધ્યા નથી પણ જે સ્ફૂર્યા છે તે જ લખ્યા છે. અહીં કોઈ અલંકારિક ઉંચાઈઓ આંબવાની વાતો કે પ્રયત્નો કર્યા નથી. કોઈ વાણી વિલાસ નથી બસ માત્ર એક નવું જગત જોયાનો અને તેના સહભાગીઓ સાથે થોડો સમય જીવ્યાનો અહેસાસ વ્યક્ત કર્યો છે. આશા રાખું છું કે આ બ્લોગ વાંચ્યા પછી તમારી અંદર કશુંક અસ્થિર થઇ જશે, કશુંક હચમચી ગયા જેવી ભૂકંપની ધ્રુજારી અનુભવશો અને જો તેવું કશું ન થાય તો છાતી ઠોકીને કહું છું કે તમારી અંદરનો "માણસ" અને "લાગણી" સદંતર નાશ પામ્યા છે. આકરા શબ્દોનો ઉપયોગ કરવા બદલ ક્ષમા પ્રાર્થી છું પણ વર્તમાન સમયમાં સંવેદનશીલતાનો ગ્રાફ ખૂબ નીચો ચાલ્યો ગયો હોવાથી આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો પડે છે.
મૂળ વાત પર આવું તો આજે આદરણીય શ્રી જોરાવરસિંહનો જન્મ દિવસ. લગભગ બે વર્ષ પહેલા તેમણે મને કહેલું કે સુરેન્દ્રનગરમાં એક સંસ્થા છે જે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની સારસંભાળ રાખે છે અને આ બીડું એક પ્રજ્ઞાચક્ષુ દંપતિએ વર્ષોથી ઉઠાવેલું છે. ત્યારથી મેં નક્કી કરેલું કે આ સંસ્થાની મુલાકાત ચોક્કસ લઈશ અને આજે તે દિવસ આવી ગયો.
સવારે અલકમલકની વાતો કરતાં કરતાં આદરણીય શ્રી જોરાવરસિંહજીની ગાડીમાં અમે લોકો સુરેન્દ્રનગર તરફ પ્રયાણ કર્યું. લીંબડીમાં ચા-નાસ્તો કરીને અમે સંસ્થા તરફ આગળ વધ્યા અને લગભગ ૧૧:૦૦ વાગે અમે પહોંચી ગયા. દાદા ભગવાનના મંદિરની બાજુમાંથી એક ધૂળિયો રસ્તો સંસ્થા સુધી જાય. પ્રથમ દ્રષ્ટીએ મનને શાતા આપે તેવું વાતાવરણ અનુભવ્યું. ગાડીમાંથી ઉતર્યા અને અન્ય મહેમાનો પહોંચવાની રાહ જોતા હતાં ત્યાં જ એક રીક્ષા આવી અને તેમાંથી શ્રી પંકજભાઈ ડગલી ઉતર્યા. સ્વભાવે સરળ, મૃદુ અવાજ, શાલીન વ્યવહાર અને હ્રદયથી આવકાર આપનાર વ્યક્તિત્વ તેમના બોલતા જ સ્પષ્ટ થઇ ગયું.
શ્રી જોરાવરસિંહજીએ અમારા સૌનો પ્રાથમિક પરિચય શ્રી પંકજભાઈ સાથે કરાવ્યો. હું તો જોઈ જ રહ્યો - બાઘાની જેમ.
*********************************************************************************
આ પંકજભાઈ એ વ્યક્તિ હતાં જમણે પોતાની પત્નીને વચન આપ્યું હતું કે લગ્ન પછી પોતે પોતાના બાળકોનો આગ્રહ નહિ રાખે અને સંપૂર્ણ જીવન પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની સેવા માટે સમર્પિત કરી દેશે. યુવાનીમાં લીધેલ એ ટેક કેટલી પ્રમાણિકતાથી તેમણે નિભાવી છે તે તેમના વ્યક્તિત્વમાં છલકાઈ રહી હતી.
ભલે પધાર્યા, ખૂબ સારું કર્યું, ખૂબ આનંદ થયો કે તમે અહીં આવ્યા, અમને સૌને ખૂબ ગમ્યું કે તમે અહીં અમારી સાથે તમારો દિવસ વિતાવવાનું નક્કી કર્યું  - આ બધા અભિવાદન એક ક્ષણમાં જાણે સાર્થક થઇ ગયા. અતિથી અને યજમાનના ઉમળકામાં જોઈતી ઉષ્મા મેં ઘણા વર્ષો પછી જાણે અનુભવી. મારો હાથ પોતાના બે હાથની હથેળીઓ વચ્ચે દબાવીને તેમણે મને આવકાર્યો ત્યારે જાણે કશુંક મારી અંદર અભિસિંચિત થયું હોય તેવું અનુભવ્યું.
*
હું તેમની પાછળ પાછળ સંસ્થાની અંદર ગયો. જમણી તરફ બુટ કાઢીને મુક્યા અને ડાબી બાજુ કાર્યાલયમાં અમે દાખલ થયા. પહેલો ઓરડો અને બીજો ઓરડો - અંદરનું દ્રશ્ય જોઈ રહ્યો - કેટલાક સ્વયંસેવક ભાઈઓ તેમજ બહેનો લગ્નની કંકોત્રીને કવરમાં યોગ્ય રીતે મૂકી રહ્યા હતાં. કેટલાક પ્રજ્ઞાચક્ષુ હતું તો કેટલાક સામાન્ય પણ હતાં. પણ મને તેમની ખભ્ભે-ખભ્ભો મેળવીને કામ કરવાની વૃતિ ગમી ગઈ. સૌએ ઔપચારિક વાતો કરી ત્યાં જ થોડા સમયમાં શ્રીમતિ મુકતા બહેન પી. ડગલીનું આગમન થયું. જે દંપતિને જોવાની ઈચ્છા હતી તે મારી નજર સમક્ષ હતું. બંનેની પ્રાથમિક વાતચીત મેં સાંભળી તો લાગ્યું કે કેટલી સાલસ અને સરળતાથી બંને એક બીજાને સાંભળી અને સમજી શકે છે! દેખ્યાની દાઝ નથી પણ સાંભળ્યાનું સુખ છે તેવું મને સમજાયું.
ત્યાર બાદ મુકતાબહેન અમને સૌને સંસ્થાની મુલાકાત કરવા માટે લઇ ગયા. બસ અહીંથી મારી ખરી કસોટી શરુ થઇ. ઓફીસની બહાર નીકળતા જ એક પ્રજ્ઞાચક્ષુ દીકરી સામે આવી અને ઉભી રહી ગઈ અને મુકતાબહેન કહ્યું " બેટા! સોયમાં દોરો પરોવીને બતાવીશ?" અને તમને આશ્ચર્ય થશે કે ઘડીના છઠ્ઠા ભાગમાં તેણે આ કરી બતાવ્યું. અમે સૌ તો જોઈ જ રહ્યા. જ્યાં આંખે દેખતાને સમય લાગે તેવું કામ આ દીકરીએ કેટલા ઓછા સમયમાં કરી આપ્યું તે જોઇને અમે સૌ એક ક્ષણ માટે વિચારતા થઇ ગયા. આગળ જતાં જમણી તરફ એક મોટો હોલ આવ્યો જેમાં લગભગ ૨૦૦ દીકરીઓ હરોળમાં બેસીને નાસ્તો કરી રહી હતી. કેટલીક દીકરીઓ (પ્રજ્ઞાચક્ષુ) નાસ્તો પીરસી રહી હતી અને શ્રીમતી અલકા પટેલ એક આત્મીય સ્વજનની જેમ સૌની કામગીરી તેમજ સૌને નાસ્તો મળી રહ્યો છે તેનો ખ્યાલ રાખી રહ્યા હતાં. આબાલવૃદ્ધ સૌ એક હરોળમાં, એક સાથે, એકબીજાની સાથે વાતો કરતા અને હસતા હસતા પોતાનો નાસ્તો કરી રહ્યા હતાં. બધું હતું બસ - આંખો ન હતી. તેમની પાસે આંખો ન હતી અને અમારી આંખો ભીની હતી કારણે કે અહીં કોઈનું સ્વજન તેની પડખે ન હતું. બસ! મુકતાબહેન, તેમનો સ્ટાફ અને સાથે જીવતા ૨૦૦ સાથીદારો જ તેમના સુખ-દુઃખના સાથી હતાં, સ્વજન હતાં. થોડીવાર તો અમને સમજણ ન પડી કે શું બોલવું અને શું કરવું? પણ ત્યાં મુકતાબહેન માતૃભાવથી સૌ દીકરીઓને કહ્યું કે બિલકુલ અવાજ ન કરો. "આજે આપણી સાથે શ્રી જોરાવરસિંહ જાદવ અને અન્ય મહેમાન મિત્રો છે. શ્રી જોરાવરસિંહજીનો આજે જન્મ દિવસ છે અને તેઓ તમારી સાથે પોતાનો જન્મદિવસ ઉજવવા ખાસ અમદાવાદથી આવ્યા છે. આપણે સૌ તેમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવીએ". એકી સાથે, એક જ સૂરમાં બધી દીકરીઓ એ તાલીઓના તાલે "હેપ્પી બર્થ ડે ટુ યું, મેં ગોડ બ્લેસ યું!" ગાયું તમારી જન્મદિવસ હોવા છતાં શ્રી જોરાવરસિંહ તેમજ અમારા સૌની આંખોમાંથી પાણી વહી ગયા. જીવનની કિંમત વચ્ચેનો તફાવત જાણે અમને સૌને કહી રહ્યો હતો કે જુઓ આ બાળકો અને તેમની જીવન તરફની દ્રષ્ટિ અને તેમની ખુશી. તમને જોયા નથી, જાણતા નથી તેમ છતાં તેમની શુભેચ્છાની લાગણી અંતરને સ્પર્શી ગઈ. 
સંસ્થાના ચોગાનમાં જોયું તો મોટાભાગના બાળકો અને વડીલો (સૌ પ્રજ્ઞાચક્ષુ અને કેટલાક તો મંદ બુદ્ધિ અથવા તો એક કરતા વધુ વિકલાંગતા ધરાવતા) તડકાની મજા લઇ રહ્યા હતાં. સૌ કોઈ ને કોઈ કામમાં પરોવાયેલ હતાં. અમે ધીમે ધીમે ઉપરના માળ તરફ જઈ રહ્યા હતાં તેવામાં બે ભાઈ બહેન (બંને મંદ બુદ્ધિ બાળકો હતાં) મુકતાબહેન પાસે આવીને જાણે સગી માં હોય તેમ ગળે વળગી ગયા. બંનેને ખૂબ કહેવું હતું પણ બોલી શકતા ન હતાં. આવડે એટલા પ્રયત્નો કરીને નાના ભાઈએ પોતાની વાત મુકતાબહેને કહી અને મુકતાબહેન જાણે સમજી પણ ગયા. હું તો આ વાત્સલ્ય જોઇ ના શક્યો. તેની બહેન અમારી સાથે આવેલ ચિત્રાબહેનને ગીત સંભળાવવા લાગી. ચિત્રાબહેને તેને ખૂબ શાબાશી આપી તો પેલી દીકરી તો જાણે ખુશ ખુશ થઇ ગઈ. 
થોડા આગળ ગયા જેમાં કેટલાક વિશેષ પલંગ હતાં - એકમાં મુકતાબહેન પોતે સૂતા અને લગભગ 3-૪ બાળકો તેમની પાસે જ રાતે સૂતા. એ ઓરડામાં અમને મળ્યા નીલમ બહેન. મુકતાબહેને જણાવ્યું કે નીલમ બહેન સંસ્થાના દરેક વ્યક્તિના (બાળકો તેમજ મોટા સભ્યો) મળમૂત્રને સાફ કરે છે. તેમને સાફ કરીને પરિવારજનોના કપડા બદલે છે, ગંદા કપડા ધોઈને સૂકવે છે, સૌને નવડાવે છે અને સૌની સેવા કરે છે. અમે બધા તેની આ સેવા માટે શું કહીએ? આ કોઈ નાની મોટી સેવા નથી. આજના જમાનામાં સગા દીકરા-દીકરીઓ સ્વસ્થ માતા-પિતાને સંભાળી નથી શકતા અને સંભાળે છે તો વળી તેમાં ક્યાંક ઊંડે ઊંડે અપેક્ષા તો હોય છે ત્યાં આ દીકરી જે પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં કોઈપણ અપેક્ષા વગર સૌની સેવા રોજ કરે છે. મેં તેમનું નામ પૂછ્યું અને કહ્યું કે હું તમારો ફોટો લઇ રહ્યો છું તો તેઓ શરમાઈ ગયા પણ તેમને ગમ્યું. મેં નીલમબહેનને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. તેવામાં મારું ધ્યાન ઓરડાના એક ખૂણામાં ગયું - જોયું તો એક નાનકડી દીકરીને તેની મમ્મી મમતાથી જમાડતી હતી. હાથમાં ચમચી લઇ નાનકડી દીકરીનું મો ક્યાં છે તેની ખાતરી કરીને જમાડતી હતી. પેલી દીકરી પણ ડાહી થઈને જમી રહી હતી. મેં પેલી નાનકડી ઢીંગલી સાથે વાત કરી -  તારું નામ શું છે? તે બોલી - ધ્રુવી. તેની મમ્મી સાથે પણ વાત કરી. મારા મનમાં પ્રશ્ન થયો કે ધ્રુવીના માતા-પિતા પ્રજ્ઞાચક્ષુ છે તો તેનું બાળપણ કેવું હશે? દુનિયાના અન્ય બાળકો જેવું તો નહિ જ ને? નાનપણથી તેને સમજણ આવી જતી હશે કે હું અસામાન્ય માતા-પિતાને ત્યાં જન્મી છું અને તેથી તેનું બાળપણ મોજ-મજામાં નહિ પણ સમજણ સાથે વિતાવવાનું છે. 
મુકતાબહેન અમને ચાલતા ચાલતા સમજાવતા હતાં કે બાંધકામની દ્રષ્ટીએ અમારે કેવું ધ્યાન રાખવું પડતું હોય છે - વળાંક આવે ત્યાં ટાઈલ્સમાં થોડી ખાંચ રાખવી પડે જેથી બાળકોને ખ્યાલ આવે કે આગળ વળાંક છે. સીડીની પારી પર દર બે પગથીયે એક નાનો સ્ક્રુ હોય જેથી બાળકોને ખ્યાલ આવે કે કેટલા પગથીયા બાકી છે.
અમે ઉપર ગયા ત્યાં એક બીજો મોટો હોલ હતો અને તેમાં લગભગ ૧૦-૧૨ દીકરીઓ સુંદર તૈયાર થઈને ઉભી હતી. મેં પૂછ્યું કે તમે શું કરો છો તો સૌ એકીસુરમાં જવાબ આપ્યો, "અમે આવતી કાલે થનાર ગરબા સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છીએ." થોડી વારમાં સૌ મહેમાનો ઉપર આવ્યા અને આ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ અમને બે ગરબા રમીને બતાવ્યા પણ માની ન શકાય તેવું હતું. કોઈ જોનાર વ્યક્તિ ન કહી શકે આ દીકરીઓને દેખાતું નથી. હાર્મોનિયમ અને ઢોલક તેમજ ગરબા ગવડાવનાર દરેક દીકરી પ્રજ્ઞાચક્ષુ હતી. બીજા નાનકડા ઓરડામાં બ્યુટી પાર્લરનું કામ શીખવવામાં આવી રહ્યું હતું, ક્યાંક નાનકડા ટેબલ પર દીકરીઓ હસ્તકલા કામગીરી કરી રહી હતી, એક કોમ્પ્યુટર લેબ હતી ત્યાં અમે મળ્યા સિદ્ધિને. સિદ્ધિ કોમ્પ્યુટર પર આપમેળે તાલીમ લઇ રહી હતી. તેણે અમને "એ, બી, સી, ડી" ટાઇપ કરીને બતાવી ત્યારે થયું કે આ વ્યક્તિ શું ન કરી શકે?
ત્યાંથી અમે નીચે આવ્યા અને રસોઈઘરમાં દાખલ થયા. પ્રજ્ઞાચક્ષુ બહેનો અમારા માટે રસોઈ બનાવી રહી હતી. અક્કલ કામ ન કરે મિત્રો. ઉકળતા તેલમાં પૂરી તળવાનું કામ આ દીકરીઓ સાહજીક રીતે કરી હતી. મિક્ષ્ચર અને અન્ય રસોઈના સાધનોનો ઉપયોગ આ દીકરીઓ ખૂબ સરળતાથી કરી રહી હતી. મુકતાબહેન અમને સમજાવતા હતાં કે કેવી રીતે અમે દીકરીઓને રસોઈ શીખવાડીએ છીએ. મેં પૂછ્યું કે આ ગરમ તેલમાં પૂરી તળવી કેટલું જોખમી અને અઘરું કામ છે? તમે કેવી રીતે આ કામ શીખવાડો છો? તો તેમણે કહ્યું કે અમે પહેલા થોડા ગરમ પાણી, પ્લાસ્ટિકના રમકડા અને ઊંડા તવા દ્વારા તેને પ્રેક્ટીસ કરાવીએ છીએ. પાણીમાં રમકડા ગણીને નાખવા, ઊંડો તવો જયારે રમકડાને સ્પર્શે ત્યારે કેવો અનુભવ થાય વગેરે તેને સમજાવીએ અને ધીમેધીમે તેના મનમાં આ રીત બેસી જાય પછી અમે તેને તેલમાં પૂરી તળવા જેવા અઘરા કામ પણ કરવા દઈએ. દરેક દીકરીને રસોઈ તાલીમ આપીએ જેથી ભવિષ્યમાં તેમના લગ્ન થાય ત્યારે આ પ્રશ્નો તેમના માટે પડકાર ન બને. મુકતાબહેને સમજાવ્યું કે જેમને આંખો છે તેઓ તેઓ ૯૦% કામ જોઇને અને ૧૦% સમજીને શીખે છે જયારે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ૯૦% કામ સમજીને, સંવેદનાથી, અનુભવથી અને આંતરિક લાગણીઓ દ્વારા શીખે છે તેથી થોડી વાર લાગે. વળી જોઈ ન શકતા હોવાથી ઝડપ ઓછી હોય તે સ્વાભાવિક છે પણ અહીં જ ખરી કસોટી શીખવાડનારની થાય છે. ધૈર્ય, લાગણી અને આત્મીયતા દ્વારા જ તમે પ્રજ્ઞાચક્ષુને કોઈ કામ શીખવાડી શકો-ગુસ્સાથી નહિ.
ઘણી વાતો અહીં લખી નથી અને ઘણી વાતો કદાચ હું જાણી પણ નથી શક્યો તેમ છતાં એટલું જરૂર
Beauty parlor training 

Birthday wishes to Res. Joravarshinhji

Computer lab.

Dedicated couple - Shri Pankajbhai & Muktabahen

Dhruvi with her mother

Enjoying snacks

Common Assembly point

Head massage

Mentally challenged member 

Great lady - Muktabahen

Nilam bahen

Visionary communication
કહીશ કે આપણે જીવનથી ફરિયાદ કરતા રહીએ છીએ પણ એક વાર આ સંસ્થાની મુલાકાત લઇ લેશો પછી ફરિયાદ ક્યારેય નહિ કરો. અહીં તો દરેક કામ એક પડકાર છે અને આ બાળકો જીવનના દરેક દિવસે, દરેક ક્ષણે પડકારનો જ સામનો કરતા જોવા મળશે. આપણે સક્ષમ છીએ તેવો ભ્રમ આપણો ભાંગી જશે અને આ બાળકો પાસે શું છે અને શું નથી તે જોશો તો ખ્યાલ આવશે કે આપણી જીવન તરફની દ્રષ્ટી કેટલી તુચ્છ છે.