તારીખ ૧૩-૦૪-૨૦૧૫
અહેવાલ
ગુજરાતી ભાષામાં વિજ્ઞાન લેખન – કાર્ય શિબિર
“ઇસાર” દ્વારા
આયોજિત, સી.સી. પટેલ લોક વિજ્ઞાન કેન્દ્ર, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ
વિદ્યાનગરના સહયોગથી અને ગુજકોસ્ટ, ગાંધીનગરના સૌજન્યથી તારીખ ૧૧ અને ૧૨ એપ્રિલ,
૨૦૧૫ના રોજ “ગુજરાતી ભાષામાં વિજ્ઞાન લેખન – કાર્ય શિબિર”ની ઉજવણી કરવામાં આવી
હતી.
ભૂતકાળમાં એક ભૂતિયા
સ્થાન તરીકે ઓળખાતી જગ્યાએ જ સી.સી.પટેલ લોક વિજ્ઞાન કેન્દ્ર શરુ કરીને વિજ્ઞાન
દ્વારા અંધશ્રદ્ધાને રોકવાનું કાર્ય લગભગ ૧૦ વર્ષ પહેલા શરુ કરવામાં આવ્યું હતું.
“આબાલવૃદ્ધ” સૌને
આવકારતા આ લોક વિજ્ઞાન કેન્દ્રમાં બે દિવસ સુધી જુદા જુદા શહેર, સ્થળ, શાળા, કોલેજ
અને સંસ્થાઓમાંથી લગભગ ૪૦ જેટલા લોકોએ ભાગ
લીધો હતો અને શિબિરને સફળ બનાવી હતી. શિબિરાર્થીઓ મોટાભાગે શિક્ષણ, વિજ્ઞાનને
પ્રોત્સાહન આપતી સંસ્થાઓ, પત્રકારો તેમજ વિજ્ઞાનિક અને લેખન જેવા ક્ષેત્ર સાથે
સંકળાયેલા હતાં.
શિબિરની શરૂઆત
સી.સી. પટેલ લોક વિજ્ઞાન કેન્દ્રની આગતા-સ્વાગતારૂપી ગરમ ગરમ ચા-નાસ્તા અને નોંધણી
દ્વારા કરવામાં આવી હતી. દરેક શિબિરાર્થીને “ઇસાર” તરફથી એક કીટ પણ આપવામાં આવી
હતી.
લોક વિજ્ઞાન
કેન્દ્રના માનનીય નિયામક શ્રી ઉજ્જવલભાઈ ત્રિવેદી દ્વારા શિબિરાર્થીઓનું શાબ્દિક
સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાર બાદ સેજલ બહેને “ઇસાર”નો ટૂંકો પરંતુ માહિતીસભર
પરિચય આપ્યો હતો. ત્યાર બાદ દરેક શિબિરાર્થીએ પોતાનો ટૂંકો પરિચય પણ આપ્યો હતો.
આ શિબિરના મુખ્ય
અતિથિવિશેષ ડો. નરોત્તમ સાહુ સાહેબ (સલાહકાર- ગુજકોસ્ટ, ગાંધીનગર) તથા પ્રો.
નરેશભાઈ વેદ (ભૂતપૂર્વ ઉપકુલપતિશ્રી)નું સુતરની આંટી દ્વારા સન્માન કરવામાં
આવ્યું. આ શિબિર વિજ્ઞાન વિષયની હોવાથી ઉદઘાટન માત્ર દીપ પ્રાગટ્યથી ન કરતાં, ડો.
કે. એન. જોશીપુરા સાહેબે એક વિજ્ઞાન પ્રયોગ દ્વારા કરવું જોઈએ તેવું સુચન કર્યું
હતું જે સૌએ સહર્ષ સ્વીકારી લીધું હતું. લગભગ ૨૨૫ વર્ષ પહેલા વિજ્ઞાનિક લેવાઈઝરે
કરેલ એક સીધા સાદા પ્રયોગ દ્વારા “મંગળ મીણબત્તી” પ્રગટાવીને શિબિરનું ઉદઘાટન
કરવામાં આવ્યું. ડો. સાહુ સાહેબે પ્રાસંગિક વક્તવ્યમાં પોતાના અભ્યાસકાળ દરમિયાન
તેમણે વિજ્ઞાન લેખન દ્વારા મેળવેલ સફળતા, અનુભવ અને રોમાંચની વાતો ખૂબ રસપ્રદ રીતે
રજુ કરીને શિબિરાર્થીઓના ઉત્સાહમાં ખૂબ વધારો કર્યો હતો. તેમણે “ડાઉન ટુ અર્થ”
જેવા વિજ્ઞાન સામાયિક તેમજ “ઓરિસ્સા સરકાર દ્વારા પ્રાયોજિત અને UNESCOના હસ્તે
આપવામાં આવતા “કલિંગા એવોર્ડ” અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત ગુજકોસ્ટના એક ઉચ્ચ
અધિકારી તરીકે તેમણે સરકાર અને સંસ્થા તરફથી મળતી વિવિધ સહાય, યોજનાઓ અને
ભવિષ્યમાં અન્ય શું કરી શકાય, વિજ્ઞાન લેખનને એક વ્યવસાય કેવી રીતે બનાવી શકાય
જેવી રસપ્રદ બાબતોની ખૂબ ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી અને ભવિષ્યમાં આ પ્રકારની
શિબિરોના આયોજન માટે આર્થિક તેમજ અન્ય કોઈ પણ પ્રકારનો સહયોગ ગુજકોસ્ટ આપતું રહેશે
તેવી જાણકારી આપી હતી.
ત્યાર બાદ પ્રો.
નરેશ વેદ સાહેબે ભાષા-સાહિત્યની દ્રષ્ટીએ વિજ્ઞાન લેખન વિષય પર ખૂબ જ પ્રભાવક
વક્તવ્ય આપ્યું હતું. ગુજરાતી ભાષા અને વિજ્ઞાન વિષયને જોડવા જોઈએ તે બાબત ઉપર
તેમણે ભાર આપ્યો હતો. અંગ્રેજી ભાષામાં જોવા મળતા સારા અને જ્ઞાનસભર વિજ્ઞાન લેખના
ગુજરાતી ભાષામાં અનુવાદ થવા જોઈએ તેવું તેમનું સૂચન ખૂબ ઉપયોગી બની રહ્યું તેમ કહી
શકાય.
આ ઉપરાંત ગુજરાતી
ભાષાના વૈવિધ્ય વારસાની જાણકારીની સાથે સાથે અનુવાદ વિષે તેમની રજૂઆત ખૂબ જ
જ્ઞાનવર્ધક રહી હતી. અનુવાદ વિષે તેમણે જણાવ્યું કે એક અનુવાદકે તંતોતંત, યથાયોગ્ય
અને intoto અનુવાદ કરવો જોઈએ જેથી વિષયનો મુખ્ય હાર્દ બદલાઈ ન જાય. તેમણે જુદા
જુદા પ્રકારના લેખ જેવા કે જર્નાલીસ્ટના લેખ, પ્રાસંગિક વિજ્ઞાન લેખ અને
પાઠ્યપુસ્તકમાં લખવામાં આવતા વિજ્ઞાનની ભાષાના સ્તરોની પણ સમજણ ખૂબ સરસ રીતે આપી
હતી. વિજ્ઞાન લેખકે અભિવ્યક્તિ સમયે લેખમાં કથન, વર્ણન તેમજ વિવરણ અંગે શું ધ્યાન
રાખવું જોઈએ અને અભિધામુલક, લક્ષણાયુક્ત અને વ્યંજના પદાવલીનો તફાવત અને તેનો
ઉપયોગ કેવા પ્રકારના લેખમાં કરવો જોઈએ અથવા થતો હોય તેની ખૂબ સુંદર રજૂઆત કરી હતી.
વિજ્ઞાન લેખ કેવો
હોવો જોઈએ તે પ્રશ્ન જવાબમાં તેમણે જણાવ્યું કે તેમાં નીચેની ત્રણ બાબતો હોય તો તે
એક વાચકને વાંચવો ગમે તેવો લેખ બની શકે.
(૧) અર્થનું વહન કરી
શકે (૨) કાર્યસાધક હોય અને (૩) પારદર્શક હોય.
આ ઉપરાંત વિજ્ઞાનિક
કેવો હોવો જોઈએ તે બાબતને પણ ખૂબ જ સ્પષ્ટ કરતાં તેમણે જણાવ્યું કે તે – બિનઅંગત,
તંત્રબદ્ધ અને ચોક્કસાઈમાં માનતો હોવો જોઈએ.
આમ, તેમના વક્તવ્ય
પછી શિબિરાર્થીઓના ભાષા જ્ઞાન, વિજ્ઞાન લેખન અને અનુવાદ અંગેની જાણકારીમાં ચોક્કસ
વધારો તો થયો જ પરંતુ તેમની વિષય પ્રત્યેની સભાનતા પણ ખૂબ વધી તેમ કહેવામાં કોઈ
અતિશયોક્તિ નથી.
ત્યારબાદ સૌ
શિબિરાર્થીઓ, વિષય તજજ્ઞો અને આયોજકોએ સાથે મળીને ભાવતા ભોજન લીધા અને સાથે સાથે
શિબિરના પ્રથમ દિવસના પ્રથમસત્રની વાતો વાગોળી.
બીજા સત્રની શરુઆત
શ્રીમતી શકુંતલાબહેન નેનેના “વિજ્ઞાન લેખનમાં અનુવાદ વિષે” વિષયથી કરવામાં આવી
હતી. તેમણે પોતાની અનુવાદની કારકિર્દી, નિવૃત્તિ પછી કેવી રીતે અને ક્યારથી શરુ
કરી તે અંગે માહિતી આપી અને સાથે સાથે કેવા કેવા અનુભવ થયા, કેવી રીતે તેમણે વિવિધ
વિકલ્પો શોધ્યા તેની પણ જાણકારી આપી. ડો. અબ્દુલ કલમ આઝાદની આત્મકથા “Wings of
Fire”નો અનુવાદ તેમનો પ્રથમ પ્રયત્ન તેમજ પ્રયોગ રહ્યો હતો. ત્યાર બાદ “Code name
of God” – “ઈશ્વર એનું નામ” પુસ્તકના અનુવાદ કરતી વખતે કેવી મુશ્કેલીઓ પડી અને
તેની કથા ખૂબ જ ભાવુક રીતે રજુ કરીને શિબિરાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા. અનુવાદ
અને ભાવનુવાદમાં યોગ્ય શબ્દની પસંદગી, વાર્તા અથવા કથાનું સત્વ અને તત્વ જાળવવાની
જવાબદારી ઉપરાંત અંગ્રેજી તથા અન્ય ભાષામાં જોવા મળતી જુદાજુદા પ્રકારની
વાક્યરચનાને કારણે પડતી મુશ્કેલી અને તેના ઉપાયો અંગે ખૂબ જ ઉપયોગી માહિતી આપી
હતી. એક અનુવાદક પાસે સારો શબ્દકોશ હોવો જ જોઈએ અને અનુવાદ કર્યા પછી તેને અધિકૃત
બનાવવા માટે વિષય તજજ્ઞને બતાવવો જોઈએ તે બાબત પર તેમણે ખાસ ભાર આપ્યો હતો.
તેમના વક્તવ્ય પછી
વલ્લભ વિદ્યાનગરના સ્થાનિક રહેવાસી અને પ્રખર પર્યાવરણવાદી શ્રી ધવલભાઈ પટેલે
“પર્યાવરણના સળગતા પ્રશ્નો અને વિજ્ઞાન લેખન” જેવા સંવેદનશીલ વિષય પર કેટલાંક
ઉદાહરણ અને અનુભવની વાતો ખૂબ સચોટ રીતે રજુ કરી. તેઓની ગુજરાત સરકારે “Wild life
warden” તરીકે નિમણુંક કરી છે અને લગભગ દોઢ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ સાથે
પર્યાવરણને લગતા વિવિધ કેમ્પ કરેલા છે. તેમણે વૃક્ષોને કાપતા અટકાવવા માટે જન
ઝુંબેશ પણ શરુ કરી છે. તેમના વક્તવ્યમાં તેમણે જણાવ્યું કે પર્યાવરણને બચાવવા માટે
વિજ્ઞાન લેખ ખૂબ જ મદદરૂપ સાધન બની રહે છે કારણ કે વિજ્ઞાન લેખ ભવિષ્યમાં એક
સંદર્ભ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. તેમણે બજારમાં મળતા પીવાના પાણી જેવી બાબતને એક
અલગ અભિગમથી રજુ કરીને લોકોને સમજાવ્યું કે એક ખોટો ડર બેસાડી દઈને આપણને
ઉદ્યોગપતિઓ છેતરી રહ્યા છે. આજે બજારમાં મળતા શાકભાજીને કેવી રીતે દવા અથવા
રસાયણના ઉપયોગ દ્વારા ઉગાડવામાં આવે છે તેની પણ વાતો કરી. તેમના વક્તવ્ય પછી સેજલ
બહેને એક સરસ વાત કહી કે વિકાસના ધસમસતા પ્રવાહ સામે આપણે કેટલા થીગડાં મારી
શકીશું તે ખબર નથી પણ જો આપણે આપણી આસપાસના પર્યાવરણની જાળવણી કરવાની જવાબદારી
લઈશું તો બહુ નહિ તો થોડો સકારાત્મક ફર્ક ચોક્કસ પડશે અને તેની જ વિશેષ જરૂર છે.
તેમની વાતને ટેકો આપતી એક બીજી ચોટદાર વાત શ્રી ઉજ્જવલભાઈએ પણ કરી કે આપણે
વૃક્ષારોપણની જરૂર તો છે જ પણ હવે વૃક્ષ ઉછેર ઉપર વધારે ધ્યાન આપવાની પણ જરૂર છે.
ડો. કે. એન.
જોશીપુરા સાહેબે શિબિરને વધારે રસપ્રદ બનાવતા વિજ્ઞાનના બે પ્રશ્નો શિબિરાર્થીઓને
પૂછ્યા અને જાહેર કર્યું કે બીજા દિવસે જે સાચો જવાબ આપશે તેમને યોગ્ય ઇનામ પણ
આપવામાં આવશે. તેમના પ્રશ્નો હતાં – (૧) એકઝાઈમર લેસર શું છે? (૨) શું ફટાકડા ફૂટે
છે તેને અણુશક્તિ કહી શકાય?
પ્રથમ દિવસના બીજા
સત્રના અંત તરફ આગળ વધતા વિજ્ઞાનની સાથે સાથે ગણિત જેવા વિષયને પણ કેટલી સુંદર
રીતે લેખમાં વણી શકાય તેની વાત ઉષાબહેન સારડાએ કરી. તેઓ ગણિત જેવા અઘરા માનવામાં
આવતા વિષયમાં પણ વિવિધ મોડેલ કેવી રીતે બનાવી શકાય અને તેમાંથી પણ લેખ કેવી રીતે
લખી શકાય તેની ખૂબ સરળ ભાષામાં રજૂઆત કરી. ગણિતને લગતા વિવિધ પુસ્તકો અને તેના
પ્રકાશનની માહિતી પણ તેમણે શિબિરાર્થીને આપી હતી. ગણિતમાં કાવ્ય, નાટક, ભવાઈ,
એકોક્તી વગેરે પણ લખાયા છે તે એકદમ નવી જ જાણકારી તેમણે આપી. તેમણે કહ્યું કે લેખ
લખવા માટે વિષયને આપણે વિશેષ રીતે જોવો પડશે. ગણિતમાં આવતા ૧ થી ૧૦ અંકોનો
બાયોડેટા અથવા તો ગુણધર્મો પરથી પણ એક સુંદર લેખ બનાવી શકાય તેની વાત કરી. સારા
લેખક બનવા માટે એક સારા વાચક બનવાની જરૂરિયાત ઉપર તેમણે ભાર આપ્યો હતો. તેમના
વક્તવ્યમાં ગણિતમાં ઉપયોગમાં લેવાતા “પાઈ” અંગેની માહિતી ખૂબ જ આકર્ષક હતી.
વિશ્વમાં “પાઈ” ની કિંમત ૩.૧૪ અથવા તો ૨૨/૭ લેવામાં આવે છે અને પરિણામે કેટલાક
દેશો ૧૪ માર્ચ અને કેટલાક દેશો ૨૨ જુલાઈને “પાઈ દિવસ” તરીકે ઉજવે છે. તદુપરાંત
તેમણે લેખના બંધારણ અંગે પેટર્સન મોડેલ – સંપાદનનો રસ, લેખકનો રસ અને વાચકના રસ
અંગે પણ માહિતી આપી હતી.
દિવસના અંતિમ વક્તા
અને વિષય તજજ્ઞ હતાં નિવૃત પ્રો. ડો. ડી.સી. ભટ્ટ સાહેબ. તેમણે પોતાના વક્તવ્યની
શરૂઆતમાં જ ગણિત અને પ્રકૃતિનો સંબંધ કેવો ગાઢ છે તેની વાત કરી હતી. દરેક વનસ્પતિના
પર્ણ કે ફૂલોની પાંખડીઓ એક ચોક્કસ ગોઠવણ અને સંખ્યામાં હોય છે જે એક ગણિત જ છે
તેવું જણાવીને ખરા અર્થમાં બે વિષયોને જોડી આપ્યા હતાં. તેમણે વટસાવિત્રીના વ્રત
દરમિયાન શા માટે સ્ત્રીઓ દોરા વીંટે છે તેની પાછળ રહેલ વિજ્ઞાન અને ધર્મને પણ
સમજાવ્યા હતાં. પ્રથમ વર્ષે વીંટેલા દોરા (૧૦૮ આંટા વીંટેલા હોય છે) બીજા વર્ષે
તૂટી ગયા હોય છે કારણ કે વડના થડની વૃદ્ધિ થતી હોય છે તેવી જ રીતે સ્ત્રીઓ આ વ્રત
દ્વારા પોતાના કુટુંબની સુખ, સમૃદ્ધિ થાય તેવી મનોકામના કરે છે.
વડ, પીપર, ઉંબરો
જેવા વૃક્ષો ૨૪ કલાકમાંથી મહત્તમ સમય સુધી પ્રાણવાયું આપે છે જયારે આંબલીના ઝાડ
નીચે રાત્રે સુવાથી હાથ-પગના સાંધા જકડાઈ જાય છે કારણ કે તે એસીડ ઉત્પન્ન કરે છે.
દરિયાઈ પાણીને ફિલ્ટર કરીને કેવી રીતે ઉપયોગમાં લઇ શકાય, દરિયાઈ જીવસૃષ્ટિની
જાળવણી માટે કેવી જરૂર છે અને લીલના કેટલા અને કેવા કેવા ઉપયોગ કરવામાં આવે છે તે
અંગે ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી.
પ્રથમ દિવસના
વક્તવ્યોની વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી પણ રાખવમાં આવી હતી અને સમય મર્યાદામાં રહીને
દરેક શિબિરાર્થીએ પોતાના પ્રશ્નોના જવાબ મેળવ્યા હતાં. પ્રથમ દિવસના અંતે શ્રીમતી
જયશ્રીબહેન જોશીએ વક્તાઓ તથા શિબિરાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જયશ્રી બહેને
દરેક શિબિરાર્થીને એક વિજ્ઞાન લેખ લખવાની નમ્ર વિનંતી પણ કરી હતી જેથી આપણી આ
શિબિરનો હેતુ સાર્થક થાય.
અંતે અણધાર્યા વરસાદ
અને કૃતિમ વીજળીની ગેરહાજરીમાં પરંતુ કુદરતી વાદળોની અને વીજળીના ચમકારાની
હાજરીમાં સૌએ સાંજનું ભોજન લીધું હતું જે ગુજરાત સાયન્સ એકેડેમી તરફથી પ્રયોજવામાં
આવેલું હતું.
શિબિરના બીજા દિવસની
શરૂઆત ગરમાગરમ ચા-નાસ્તા અને પ્રથમ દિવસના અનુભવ અને અભિપ્રાય સાથે કરવામાં આવી
હતી. શિબિરાર્થીઓએ પોતાના અભિપ્રાયો ખૂબ સચોટ અને સુંદર રીતે આપ્યા હતાં. લેખની
લંબાઈને ધ્યાનમાં રાખતા દરેક શિબિરાર્થીના અભિપ્રાયને અહીં ન સમાવી શકવા બદલ ક્ષમા
પ્રાર્થું છું પરંતુ આપ સૌના સુચન, અનુભવો અને અભિપ્રાયની નોંધ “ઇસાર” દ્વારા
લેવામાં આવી છે તેની ખાત્રી પણ આપું છું. ત્યાર બાદ જોશીપુરા સાહેબે પૂછેલા
પ્રશ્નોના જવાબ શ્રી મિનેષભાઈ અને શ્રી મનીષભાઈએ આપ્યા હતાં અને શ્રી મિતેષભાઈ
સોલંકીના હસ્તે તેમને પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.
ઘણા શિબિરાર્થીઓએ
પોતાના વિજ્ઞાન લેખ ડો. જોશીપુરા સાહેબને આપ્યા હતાં જે એક સરાહનીય કામ હતું.
સત્રની શરૂઆત શ્રી
ચિંતનભાઈ ભટ્ટના “અંતરીક્ષ ટેકનોલોજી – ભાવિના ગર્ભમાં” વિષયથી કરવામાં આવી હતી. તેમણે ISROની ભાવી યોજનાઓ વિષે વિગતે વાત કરી
હતી અને અંતરીક્ષ કોને કહેવાય, અંતરીક્ષ વિજ્ઞાન કોને કહેવાય, વિવિધ અંતરિક્ષ યાન,
ભારતની અંતરીક્ષ હરણફાળ એવા મંગળ યાનની વિવિધ વાતો કરીને ખૂબ જ રસપ્રદ માહિતી આપી
હતી. તેમના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શિબિરાર્થીઓને રસ પડે તેવા ચિત્રો અને
માહિતી જાણવા મળ્યા હતાં.
ત્યાર બાદ ગુજરાત
સમાચારમાં નિયમિત વિજ્ઞાન લેખ લખતા લેખક – શ્રી કે. આર. ચૌધરીએ “વર્તમાનપત્રોમાં
વિજ્ઞાન લેખન” વિષય પરના પોતાના માહિતીસભર વક્તવ્યની શરૂઆત જગજીતસિંહની પ્રખ્યાત
ગઝલ – “અપની આગ કો ઝીંદા રખના કિતના મુશ્કિલ હે” સંભળાવીને કરી હતી. વિજ્ઞાન લેખક
બનવા માટે તેમણે વર્તમાન સમયમાં વિજ્ઞાન ક્ષેત્ર સાથે તાજો સંબંધ જાળવી રાખવાની
વાત પર ભાર મુક્યો હતો. તેમણે પૂછ્યું કે શું તમે વર્તમાન સમયની પાંચ વિજ્ઞાન
ક્ષેત્રની જાણીતી હસ્તીઓના નામ જાણો છો?, છેલ્લા થોડા સમયમાં આવેલા પાંચ વિજ્ઞાન
ક્ષેત્રના સમાચારથી તમે વાકેફ છો? શું તમે વિજ્ઞાનની પાંચ તાજી ઘટનાઓ જણાવી શકો જે
માનવ જાત માટે ખૂબ ઉપયોગી હોય? જો આ પ્રશ્નો ના જવાબ “હા” હોય તો તમે વિજ્ઞાન લેખક
બનવા માટે તૈયાર છો તેમ કહી શકાય. ઘણાને એવો પ્રશ્ન હોય કે વિજ્ઞાન લેખની શરૂઆત
ક્યાંથી કરવી અથવા તો કેવી રીતે કરવી – તેના જવાબમાં તેમણે કહ્યું કે તમે જે જાણો
છો ત્યાંથી નહિ પરંતુ વાચક જે જાણે છે ત્યાંથી લેખની શરૂઆત કરવી જોઈએ. અન્ય એક વાત
તેમણે ખૂબ સરસ કહી કે વિજ્ઞાન લેખ પહેલા લખો પછી તેના “મથાળા” વિષે વિચારો જેથી
તમને લખવા માટે એક જરૂરી જગ્યા મળી રહે અને તમે માત્ર મથાળાને સાર્થક કરવા માટે
લેખ ન લખો. તેમણે વિજ્ઞાન લેખન એટલે શું?, વર્તમાનપત્રોમાં વિજ્ઞાન લેખન માટેની
તકો, પડકારો અને સ્થિતિ, વિજ્ઞાન લેખક/પત્રકાર બનવા માટેની કેટલીક જરૂરી
પૂર્વશરતો, વિજ્ઞાન લેખનમાં પૂર્વ લેખન અને અંતિમ લેખન, વિષય પસંદગી, સંશોધન
આધારિત લેખ, વિજ્ઞાન લેખકના કેટલાક અગત્યના ગુણધર્મો, લેખન દરમિયાન થતી કેટલીક
ભૂલો અને કેટલીક મુખ્ય સમસ્યાઓ અંગે ખૂબ ઝીણવટભરી માહિતી આપી.
સત્ર આગળ વધતા વલ્લભ
વિદ્યાનગરમાં સ્થાયી થયેલ શ્રી હરી દેસાઈએ “વિજ્ઞાન અને પત્રકારત્વ” વિષય પર ખૂબ
રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું અને લોકભોગ્ય શબ્દોનો પોતાની વાતોમાં ઉપયોગ કરીને
શિબિરાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. તેમણે ખૂબ ભારપૂર્વક કહ્યું કે દરેક
શિબિરાર્થી પાસેથી તેમને વિજ્ઞાન લેખનની અપેક્ષા છે. વિજ્ઞાન લેખ મૌલિક હોય,
નાવીન્યપૂર્ણ હોય અને હકીકતલક્ષી હોય તે ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે વિજ્ઞાન
લેખકે એક અગત્યની બાબતનું ધ્યાન રાખવાનું છે કે પોતાની વિદ્વતા લેખમાં નથી ઓકવાનું
પરંતુ વાચકને ગમે, સમજાય અને કામ આવે તેવી રીતે લેખ લખવાનો છે. તેમણે પોતાના
પત્રકારત્વ ક્ષેત્રના અનુભવોને વાગોળતા શ્રી તર્કતીર્થ લક્ષ્મણ શાસ્ત્રી (જેમણે
મરાઠી વિશ્વકોશ આપ્યો) સાથેની વાતો, રોબર્ટ ઓપનહેમર (અણુબોમ્બના શોધક) જયારે
અણુબોમ્બનો પ્રયોગ કરે છે તે પહેલા ગીતાજી નો શ્લોક ટાંક્યો હતો (વિષ્ણુ : Now I am become Death, the destroyer of worlds) તે વિશેની વાતો કરીને શિબિરાર્થીઓને એક
જીવંતતાનો અનુભવ કરાવી દીધો હતો. તેમણે કહ્યું કે લેખકમાં સતત સંનીપાત જરૂરી છે.
વિષયને સમજવા માટે વિષય તજજ્ઞ સાથે સંપર્ક કરતાં અચકાવું ના જોઈએ. આ ઉપરાંત તેમણે પંડિત
ગુલામ દસ્તગીર બીરાજદાર જેવી હસ્તીને યાદ કરીને શિબિરાર્થીઓને જણાવ્યું કે વિષય
જ્ઞાન હોય તો તમે કેટલા આગળ વધી શકો છો. પંડિત ગુલામ દસ્તગીર બીરાજદાર સંસ્કૃત,
કન્નડા, હિન્દી, ઉર્દુ, અરેબીક અને અંગ્રેજી ભાષાના જાણકાર હતાં તેઓ સંસ્કૃત
શિક્ષણ માટેની સલાહકાર સમિતિના સભ્ય પણ હતાં. આ ઉપરાંત તેમણે ધર્મ, તર્ક અને
વિજ્ઞાનની વાતો પણ જણાવી હતી.
શ્રી હરી દેસાઈના
વીજળી સમાન વક્તવ્ય પછી ડો. કિશોર પંડ્યાએ “વિજ્ઞાન વાર્તા” વિષય પર સુંદર રજૂઆત
કરી હતી. તેમણે કહ્યું કે આપણી પાસે ઘણી વિજ્ઞાન વાર્તાઓ છે પણ આપણે જાણતા નથી
અથવા તો જાણવાનો પ્રયત્ન કરતાં નથી. મહાભારતમાં આવતું લાક્ષાગૃહ તે સમયનું
રાસાયણિક શસ્ત્ર હતું. આ ઉપરાંત રામાયણ અને અન્ય ધર્મ ગ્રંથોમાં અગણિત વિજ્ઞાન
કથાઓ રહેલી છે પરંતુ આપણો તેમના પ્રત્યેનો અભિગમ વિજ્ઞાનિક ન હોવાથી આપણને તે
દેખાતી નથી. તેમણે “પાતાળ પ્રવેશ” વાર્તામાં દબાણ અને તાપમાન વધે છે તેની વાત તો
કરી પરંતુ તેની સાથે ધીમે ધીમે માનવી ટેવાતો જાય છે, ગુરુત્વબળ શૂન્ય થઇ જાય છે
જેવી બાબતો પર શિબિરાર્થીઓનું ધ્યાન દોર્યું હતું. વિજ્ઞાન વાર્તાઓના અનુવાદ વિષે
તેમણે જણાવ્યું કે મૂળશંકર મોહનલાલ ભટ્ટ (મૂ. મો. ભટ્ટથી વધારે જાણીતા) દ્વારા
અનુવાદિત જુલે વર્નની વાર્તાઓમાંથી મૂ. મો. ભટ્ટે કેટલીક વાતો કાઢી નાખી હતી.
નવોદિત વિજ્ઞાન વાર્તા લેખકે અનુવાદ વાંચ્યા પછી મૂળ વાર્તા વાંચવી જોઈએ જેથી
લેખકે કેટલો, ક્યાં અને શું તફાવત રાખ્યો છે તે જાણી શકાય. ડો. કિશોરે પોતાની બે
વાર્તાઓ – “ધુતારો” અને “અ...વિ નાશ” ની રજૂઆત ખૂબ રસપ્રદ રીતે કરી અને તેની સાથે
સાથે શ્રી કે.આર. ચૌધરીની “માઈક્રો રોબોટ” વાર્તાનો પણ ઉલ્લખ કર્યો હતો.
બીજા દિવસના પ્રથમ
સત્ર બાદ સૌએ સાથે ભોજન લીધું અને ત્યાર બાદ સૌની યાદગીરી માટે એક “ગ્રુપ ફોટો” પણ
લેવામાં આવ્યો.
ભોજન પછી ડો. નીપા
બહેન ભરૂચાએ વિદ્યાર્થીને લખવા અને વાંચવા માટે પ્રોત્સાહન આપવાની જરૂરિયાત ઉપર
ભાર મુક્યો અને વિવિધ રમતો દ્વારા કેવી રીતે બાળકોને વિજ્ઞાન જેવા વિષયમાં રસ લેતા
કરી શકાય તે અંગે જાણકારી આપી. તેમણે “સંદર્ભ” દ્વારા કેવી રીતે અનુવાદ કરવાનું
શરુ કર્યું અને વિજ્ઞાન ક્ષેત્રના અંગ્રેજી દાર્શનિકોના અનુવાદનો અનુભવ કેવો રહ્યો
તેની વાતો કરી. તેમણે જણાવ્યું કે “સંદર્ભ”ના લીધે તેઓને વિજ્ઞાન લેખનમાં રસ
જાગ્યો. સમય મર્યાદાના કારણે તેમણે પોતાની વાતો ખૂબ ટૂંકમાં પરંતુ સુંદર રીતે રજુ
કરી. તેમના પછી વિજ્ઞાન લેખન શિબિરને એક નવો જ અભિગમ જોવા મળ્યો શ્રી વિશાલભાઈ
મુલીયાના રમુજ સાથે બનાવેલ વિજ્ઞાન કાર્ટૂન (સાયટૂન) દ્વારા. તેમણે વિજ્ઞાન
ક્ષેત્રમાં થયેલ તાજા સંશોધનને કાર્ટૂન દ્વારા રજુ કરીને લોકોનું વિજ્ઞાન પ્રત્યે
આકર્ષણ વધે તેનો નવતર પ્રયોગ કરી બતાવ્યો. તેમના કાર્ટૂનની સાથે સાથે તેમણે સંદર્ભ
પણ મુકેલો હોવાથી વાચકને વધારે જાણવાની ઈચ્છા થાય તો અન્ય કોઈ જગ્યાએ જવું ન પડે
તે બાબતનું પણ ધ્યાન રાખ્યું હતું.
શિબિરના અંતે
પત્રકાર શ્રી ઉર્વીશભાઈ કોઠારીએ “પ્રસાર માધ્યમોમાં વિજ્ઞાન લેખન – તકો અને
પડકારો” વિષય પર પોતાના વિચારો ખૂબ હળવા મિજાજમાં પ્રગટ કર્યા. તેમણે કવિ દલપતરામ
દ્વારા શરુ કરવામાં આવેલ “બુદ્ધિપ્રકાશ” સામાયિકની જૂની આવૃત્તિમાં આવેલ “સિદ્ધ
પદાર્થ વિજ્ઞાન” નામના પ્રકરણને દર્શાવીને જણાવ્યું કે આજથી ૧૨૫ થી ૧૫૦ વર્ષ પહેલા
પણ કવિ જો વિજ્ઞાન લેખ લખી શકતા હોય તો આજે કેમ નહિ? તેમણે જણાવ્યું કે વિજ્ઞાન
લેખન માટે તમે વિજ્ઞાનિક હોવા જરૂરી નથી પરંતુ તમારામાં કૂતુહુલવૃતિ,
જીજ્ઞાસાવૃત્તિ હોવી ખૂબ જરૂરી છે. વિજ્ઞાનિક બનવું એ તો સફરનું અંતિમ ચરણ છે
જયારે વિજ્ઞાનિક અભિગમ હોવો તે પ્રથમ પગથીયું છે. તેમણે જણાવ્યું કે વિજ્ઞાન
વાર્તા વિજ્ઞાન લેખક બનવા માટે પ્રથમ પગથીયું છે. તેઓએ કેટલીક ભૂતકાળની વાતો
જણાવતી વખતે હાજી મહમદ અલ્લારખાં શિવજી, રવિશંકર રાવળ વગેરેની વાતો ખૂબ રસપ્રદ
શૈલીમાં રજુ કરી હતી. વર્ષ ૧૯૩૦માં સયાજી જ્ઞાનમાળામાં ચંદ્ર વિશેના લેખની માહિતી
આપતી વખતે તેમણે જણાવ્યું કે “ગુગલ” ન હોવા છતાં તે સમયમાં ચંદ્રનો લેખ લખવો એ
જીજ્ઞાસાવૃત્તિ હોય તો જ શક્ય બને. “કુમાર” જે સાહિત્યનુ સામાયિક હોવા છતાં
હાઇડ્રોજન વિષય પર ૬ પાનાનો લેખ છાપે તે વાત ખૂબ મોટી કહેવાય. તેમણે “સફારી”ની સફર
વિષે શ્રી વિજયગુપ્ત મૌર્યથી લઈને નગેન્દ્રભાઈ અને હર્ષદભાઈને યાદ કર્યા અને તેમણે
વિજ્ઞાન લેખનમાં આપેલ યોગદાનને બિરદાવ્યું. તેમણે માહિતી આપી કે “ઓક્સીડેશન” જેવા
અંગ્રેજી શબ્દનો ગુજરાતી શબ્દ “ભસ્મીભવન” આપ્યો ત્યારે કોઈપણ રસાયણશાસ્ત્રના
વિદ્યાર્થીને તે નજરે જોઈ શકાય તેટલું સહેલું બનાવી દીધું. રમૂજમાં હકીકતને
વર્ણવતા તેમણે કહ્યું કે લગભગ દરેક બાબતમાં એક ગ્રે એરિયા (મધ્યમ માર્ગ) હોય છે
પરંતુ લેખનની બાબત તેમાં અપવાદ છે – તમને લખતા આવડે અથવા તો બિલકુલ ના આવડે. તેની
વચ્ચેની કોઈ સ્થિતિ નથી હોતી. આજે ભૂતિયા લેખનો એક બહોળો વર્ગ છે ત્યારે વિજ્ઞાન
લેખ વિષે લોકો એવો આક્ષેપ ખૂબ સરળતાથી કરી દે છે કે આ માહિતી તો ઈન્ટરનેટ પર
ઉપલબ્ધ છે તેના જવાબમાં ઉર્વીશભાઈએ જણાવ્યું કે તો તમે કેમ આ માહિતી ને લેખ
સ્વરૂપે ન આપી? આક્ષેપ કરવો સહેલો છે પરંતુ યોગ્ય અને સાચી માહિતીને મેળવવી,
તારવવી અને તેને લેખ તરીકે રજુ કરવી એટલું સહેલું કામ નથી. વિજ્ઞાન લેખનના પડકાર
તરીકે તેમણે જણાવ્યું કે લેખની ખરાઈ જાળવવી અને રસાળતા ઉભી કરવી એ ખૂબ કઠીન કામ
છે.
આ ઉપરાંત તેમણે એક
સરસ સુચન પણ કર્યું કે ઈન્ટરનેટ પર વિજ્ઞાનને લગતું ગુજરાતી સાહિત્ય હજુ સુધી એટલું
જોવા મળતું નથી તેવા સમયે જો વિજ્ઞાન લેખકો કશુંક શરુ કરે તો લોકોને વિજ્ઞાન લેખનમાં
રસ પડી શકે.
બીજા સત્રની
પુર્ણાહુતી થાય તે પહેલા જ શ્રી ઉજ્જ્વલભાઈ અને શ્રી વિશાલભાઈએ શિબિરાર્થીઓને જોડી
રાખે અને પોતાના અભિપ્રાય અને વિજ્ઞાનના લેખ એકબીજાને પહોંચાડી શકે તે માટે – vignanlekhan@googlegroups.com ની રચના પણ કરી દીધી અને ઈ-મેઈલ દ્વારા દરેક
શિબિરાર્થીને આમંત્રણ પણ મોકલી દીધા.
ત્યાર બાદ શ્રી
મિતેષભાઈ સોલંકીએ પોતાના લેખન અંગેના અંગત અભિપ્રાય, અનુભવ તેમજ કેટલીક સામાન્ય
રીતે જોવા મળતી ભૂલોને હળવા મિજાજમાં રજુ કરી હતી.
અંતે જયશ્રી બહેને
દરેક શિબિરાર્થીને જણાવ્યું કે આ શિબિર પર જે કોઈ પણ અહેવાલ લખશે તેને
“વિજ્ઞાનદર્શન” સામયિકમાં પ્રકાશિત કરવામાં આવશે.
ઉજ્જવલભાઈએ
ગેરમાર્ગે દોરતા કેટલાક ઈ-મેઈલ અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને સૌને
વિનંતી કરી કે તે પ્રકારના ઈ-મેઈલ લોક વિજ્ઞાન કેન્દ્રને મોકલી આપવા અને શક્ય હશે
ત્યાં સુધી તેની ચકાસણી કરી સાચી વાતને જાહેર કરવામાં આવશે. તેમની વાતને સમર્થન
આપતાં શ્રીમતી જયશ્રી બહેને કહ્યું કે લોક વિજ્ઞાન કેન્દ્રએ પ્રાદેશિક પ્રશ્નોને પણ
જાણવા જોઈએ અને પ્રસાર માધ્યમોના સંપર્કમાં રહેવું જોઈએ જેથી તેને લોકો સમક્ષ મૂકી
શકાય.
ગુજરાતી ભાષામાં
વિજ્ઞાન લેખન – કાર્ય શિબિરના બે દિવસો વીજળીવેગે પૂર્ણ થઇ ગયા અને અંતે શ્રીમતી
જયશ્રીબહેને આભાર વિધિ દ્વારા શિબિરને પૂર્ણ જાહેર કરી.
આભાર :
યજમાન સંસ્થા – સી.સી.
પટેલ લોક વિજ્ઞાન કેન્દ્ર, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગર
સહયોગ - ગુજકોસ્ટ,
ગાંધીનગર
આયોજક – ઇસાર ટીમ – જયશ્રી
બહેન, સેજલબહેન તથા ગૌરવભાઈ
વિડીયોગ્રાફી –
મિલાપ ચૌધરી
મુખ્ય સહાયક ટીમ –
મીતલ બહેન, દેવલ બહેન, હિરેનભાઈ તથા અંકીતભાઈ
અહેવાલ સંયોજન અને લેખન – શ્રી મિતેષ એમ. સોલંકી