અણદીઠેલ ભોમ પર યૌવન માંડે આંખ
તારીખ: ૧૯/૧૦/૨૦૧૪ (મનુષ્ય ગૌરવદિન)
સ્થળ: CEPT નું કેમ્પસ
સમય: સાંજે ૫:૦૦ થી ૮:૩૦
"ચાર મિલે ચોસઠ ખીલે, બીસ રહે કરજોડ;
હ્રદય સે હ્રદય મિલે, ખીલે સાત કરોડ"
शिक्षक कभी साधारण नहीं होता, प्रलय व निर्माण दोनो उसकी गोद मे बड़े होए हे - चाणक्य
સ્વવિકાસ અને ઉમરને કોઈ જ સંબધ નથી હોતો. વર્ષોથી એક ચિતરાયેલા ચીલા પર ચાલવાથી મોટા ભાગના લોકો એવું માનતા થઇ ગયા છે કે ૨૫ સુધી તોફાન, પછી નિશ્ચિત અને નિશ્ચિંત નોકરી, પછી લગ્ન, પછી બાળકો, પછી કમાવું, બચાવવું, ખર્ચવું, સામાજિક જવાબદારીઓ અને પછી હરિભજન, ત્યાર બાદ હવાખાના, દવાખાના અને પૂર્ણવિરામ.
હું ઉપરોક્ત બાબત સાથે સહમત નથી થતો. ઉપરના ફોટોમાં જોવા મળતા દરેક વ્યક્તિની આંખોમાં સપના છે, કશુક કરવાની તમન્ના છે, આગળ વધવાની ઈચ્છા છે, સહકારની ભાવના છે - એક ચોખવટ કરી લઉં કે હું અને મારી પાછળ ઉભેલ કુસુમ અન્ય કરતા ઉમરમાં મોટા છીએ (એટલા પણ નહિ કે યુવાનમાં ન ગણાઈએ).
આજે વાત કરવી છે અમારા GPSC ગ્રુપની.
જુન ૨૦૧૪માં પરીક્ષાની જાહેરાત થઇ. હું ખરેખર તો ભણાવવા માટે એકાદ બે સંસ્થાઓમાં ગયો હતો જ્યાં મારે ભવિષ્યના નાયબ કલેકટરને તૈયાર કરવાના હતા પરંતુ પરીક્ષામાં હું પણ લાયક ઉમેદવાર ગણાયો તેથી મારે માથે બે જવાબદારી આવી જેમાં બિલકુલ બેજવાબદાર થઇ શકાય તેમ ન હતું. એક હતું ભણવાનું અને બીજું હતું ભણાવવાનું - મારા ખ્યાલ પ્રમાણે મે બંને જવાબદારી ખુબ પ્રમાણિકતાથી નિભાવી તેમ કહી શકું.
ઉપરોક્ત મિત્રો મારા એક સમયના વિદ્યાર્થી હતા. લોકસેવા ટ્રસ્ટ સંચાલિત વર્ગોમાં તેઓ જોડાયા હતાં અને મારે તેમને ગુજરાતી, વિજ્ઞાન અને થોડું સામાન્ય જ્ઞાન તેમજ અન્ય થોડા માર્ગદર્શન આપતાં રહેવાની, તેમને જાગૃત રાખવાની, તેમને પ્રોત્સાહન આપતાં રહેવાની જવાબદારી હતી. ખરું કહું તો તેમને આ બધું આપતી વખતે હું જ આ બધું મેળવતો હતો. હું રહ્યો વિજ્ઞાનનો વિદ્યાર્થી પરંતુ વાંચનના શોખના કારણે ગુજરાતી વ્યાકરણ ભણાવવાનું થયું જે મે મારા જીવન માં પહેલી વાર જ ભણાવ્યું પણ વિદ્યાર્થીઓને કામ આવ્યું તેવા જ્યારે સમાચાર મળ્યા ત્યારે આનંદ થયો.
એક એક વિદ્યાર્થીની વાતો થોડી થોડી કરવી છે.
સના: ખુબ શાંત પ્રકૃતિની વ્યક્તિ. શરૂઆતમાં થોડી ઓછી મળતાવડી પણ જયારે સાથે વાંચવા બેસતા થયા ત્યારે સાચો પરિચય થયો. મહેનતુ અને સકારાત્મક વ્યક્તિ. હસમુખ. કોઈ વાતની ક્યારેય ફરિયાદ નહિ. ઓમલેટનું આમંત્રણ માંગી લીધું છે અને ચોક્કસ જવાનો છું.
કુસુમ: હવે કુસુમ કહેવાનું છૂટ લઉં છું. છેલ્લી મીટીંગમાં જ તેણે કહ્યુ કે શું મેડમ મેડમ કહો છો, તમે મને કુસુમ કહી શકો માટે આજે છૂટ લઇ રહ્યો છું. ખુબ જ સમજુ, અનુભવી, શાંત. ચર્ચામાં ભાગ લેવાના શોખીન, જાણકાર અને વાંચનનો પડઘો તેમની વાતમાં જોવા મળે. હસમુખ તેમજ ખુબ જ પ્રોત્સાહન આપતું પાત્ર. તેમના ઘરનું આતિથ્ય ખુબ માણ્યું. કોઈ પણ જાતના સંકોચ વગર તેમના ઘરે બેસીને પરીક્ષાની ખુબ સારી એવી મહેનત કરી.
પીન્કી: સતત હસતું પાત્ર. હંમેશાં ખુશ રહેતું પાત્ર. વાચાળ, થોડું નખરાળું, થોડું ચંચલ પણ અતિ મિલનસાર. કોઈ વાતનું ખોટું નહિ લગાડવાનું. પોતાની વાત ઊંચા અવાજે કહેવાની અને કોઈની પણ શરમ નહિ ભરવાની. મહેનતુ પણ ખુબ. બધી પરીક્ષા આપવાની અને બધી પરીક્ષાની તૈયારી પણ કરવાની. આ વખતે GPSC આપી શકે તેમ ન હોવા છતાં શીખવા માટે હંમેશાં આવવાનું. ખુબ સારી દાલ બાટી બનાવે છે.
ઈશિતા: આશા રાખું છું જોડણી સાચી લખી છે. શરૂઆતમાં થોડી રીઝર્વ (અંતર્મુખી). શાંત પરંતુ જાગૃત. વિષય પર ધ્યાન આપવું, નવા પ્રશ્ન પૂછવા અને પોતાની જાણકારી પણ ઉમેરવાની એક સારી આદત. પ્રશ્નો પણ ગુણવત્તાયુક્ત પૂછતી એટલે ગમતીલી લાગે. IT ક્ષેત્રનો અનુભવ અને કશુક કરવાની ધગશ રાખતી એક અંકુરિત થતું પાત્ર એટલે ઈશિતા. મારી સાથે ટયુન થતા ખુબ ઓછો સમય લાગ્યો તેમ કહી શકાય અને કદાચ મારી પહેલા તે અન્ય વિદ્યાર્થી સાથે ખુબ સારી રીતે હળીભળી ગઈ હતી.
કિંજલ : કદાચ શરૂઆતમાં થોડી શરમાળ અને અંતર્મુખી. પણ કોઈ નકારાત્મક ભાવ નહિ. એક કહ્યાગરી વિદ્યાર્થીની. ચહેરા પર સતત સ્મિત. શીખવાની વૃતિ. દુધમાં સાકરની જેમ ભળી જનાર પાત્ર. એક જાજરમાન પાત્ર અમારા ગ્રુપનું.
શ્વેતા: સતત હસતી ખેલતી. આફરીનની જોડી. સાથે બેસવાનું, સાથે નાસ્તો કરવાનો. સાથે આવવાનું, સાથે બનવાનું અને સાથે જવાનું. નથી આવડતું તે સ્વીકારીને શીખનાર વ્યક્તિ. ક્યારેય કોઈ નકારાત્મક વાત જ નહિ. ગમે તેવી પરીક્ષાની ચર્ચા થતી હોય હસી કાઢવાની આદત તેથી ક્યારે માનસિક તાણ અનુભવતી નહિ. એક હસમુખું પાત્ર.
આફરીન: શરૂઆતમાં તો એમ થતું કે અવાજ ગળામાંથી નીકળે છે કે નહિ. ધીમું ધીમું બોલવાનું. કઈ પણ પૂછો હસવાનું. ન સમજાય તો શ્વેતાને પૂછવાનું. પરંતુ સાથે વાંચતા થયા ત્યાર બાદ ખુબ સારી રીતે ગ્રુપમાં ભળી ગઈ.
મેહુલ: શાંત પાણી. ઊંડી તૈયારી. અનોખો આત્મ વિશ્વાસ. ખુબ સારો શ્રોતા. એક ગજબનો ભરોસો પોતાના પર, પોતાની તૈયારી પર. પૂછો એટલો જ જવાબ. હંમેશાં મદદરૂપ થવા તૈયાર પણ પોતાને મહત્વ મળે તેવી કોઈ ભાવના નહિ.
કલ્પેશ: આખા ગ્રુપને હસાવી નાખતો વ્યક્તિ. પોતાની વાત અત થી ઇતિ સુધી ન કહે ત્યાં સુધી કોઈનો વારો આવે નહિ. ગજબની રમૂજવૃતિ. પોતાના પર હસી શકવાની ગજબની ક્ષમતા. કોઈ પણ વાતનું ક્યારેય ખોટું લગાડવાનું નહિ. એ એમની ગર્લફ્રેન્ડ (બુલેટ) બસ. શીખવાડવા માટે હંમેશાં તૈયાર પણ શર્ત એક જ કે તે પોતે ટેન્શનમાં ન હોવા જોઈએ. ખુબ નિર્મળ અને બાળક જેવો નિખાલસ સ્વભાવ.
હર્ષ: મમ્મીનો બાબો. ડાહ્યો ડમરો એન એકડમ કહ્યાગરો. જવાબદારી આપો તો પ્રમાણિકતાથી લેવાની, નિભાવવાની. કોઈ નકારાત્મક વાત નહિ. નાની નાની વાતમાં ખુશ થઇ જતો વ્યક્તિ.
અહીં ફોટોમાં દેખાતી અને કેટલીક ન દેખાતી વ્યક્તિ પોતાના સપના સાકાર કરે તેવી શુભેછા સાથે!
અસ્તુ!