મદનલાલ ઢીંગરા બનો - ઉલ્લુના બનો
******************************
દરેક વ્યક્તિને પોતાના ભવિષ્યને જાણી લેવાની એક અનોખી ઈચ્છા હોય છે. આજની કિંમત આપણે મન કશી જ નથી પણ આવતી કાલ માટે આપણે ઉતાવળા રહીએ છીએ. આજના ઉપયોગથી આવતી કાલ બનાવવામાં આપણે કેમ માનતા નથી? વગર મહેનતે આવતી કાલ જાણીને કરશું પણ શું? જે પરિબળો અને પરિસ્થિતિ આપણા હાથમાં જ નથી તે જાણીને વહેલા દુઃખી થવા કરતા વર્તમાનમાં મહેનતની મજા માણીએ તો વધારે સુખી થઇ શકીએ તે સમજવાની જરૂર છે.
જ્યોતિષ, ટેરો, પોપટ મહારાજ, હસ્તરેખા, કુંડળી વગેરેમાં હું વ્યક્તિગત રીતે નથી માનતો. કદાચ કોઈ શાસ્ત્ર કે વિદ્યા જૂના સમયમાં સાચી હોઈ પણ શકે પરંતુ વર્તમાન સમયમાં મને કોઈ પણ ગોલ્ડ મેડાલીસ્ટ જ્યોતિષ ઉપર કે ભવિષ્યવેતા ઉપર વિશ્વાસ બેસતો નથી. જે રીતે અને જે પ્રમાણમાં ગુજરાતી વર્તમાનપત્રોમાં આ જ્યોતિષોની જાહેરાત આવે છે તે જોઇને ચોક્કસ એક વિશ્વાસ આવે છે કે તેમના આ વ્યવસાય (ધંધો)માં પણ ખુબ હરીફાઈ છે અને લગભગ કોઈનો ધંધો ચાલતો નથી. કદાચ ગામડાંના લોકો, કેટલાક નિરાશ અને નાસીપાસ લોકો, કેટલાક માનસિક તણાવથી પીડાતા લોકોની નબળી પરિસ્થિતિનો આ લોકો લાભ ઉઠાવીને જે કમાઈ શકે છે તે જ તેમની આવકનો સ્ત્રોત હોય છે. મહેનતમાં માનવાવાળો અને નસીબને જાતે કંડારવાવાળો વર્ગ આ લોકોની જાળમાં ફસાતો નથી. નવાઈની વાત એ છે કે વર્તમાનપત્રોમાં દરેક જ્યોતિષ ૧૦૦% કામની ગેરેંટી આપે છે, મુલાકાત ખાનગી રાખવાની ફરજ પાડે છે અને પૈસા પાછા આપવાની વાત કરે છે. આ લોકો લગભગ બધા જ અનૈતિક કામની ગેરેંટી આપે છે જેનો હું સખ્ત વિરોધ કરું છું, જેમ કે - વશીકરણ, પરસ્ત્રી સાથે મન ગમતો સંબંધ, કોઈ વ્યક્તિ ઉપર પર કાળા જાદુની અસર વગેરે. આ બધું જો આવા તાંત્રિકો અને જ્યોતિષથી જ થઇ જતું હોત તો તમને શું લાગે છે તેમને જાહેરાત આપવાની જરૂર પડતી હોત ? ના બિલકુલ નહિ. સારા કામની સુગંધ આપોઆપ ફેલાઈ જતી હોય છે પણ આ તો કાળા કામ અને તે પણ ખુલ્લે આમ જાહેરાત આપીને કરવાની વાતો છે. વર્ષોથી છાપાઓમાં આવા કેટલાંય ધુતારા બાવા સાધુની પ્રપંચ લીલાઓ ખુલ્લી પાડવામાં આવતી રહી છે તેમ છતાં લોકો સમજતા નથી. મને આ વ્યવસાય ઈન્ટરનેટ પર કરવામાં આવતા ગુનાઓ જેવા લાગે છે જેમાં તમને લાખો રૂપિયા ઇનામ મળ્યું છે તેવું ઠસાવીને તમારી બેંકની ખાનગી વિગતો જણાવવા માટે કહેવામાં આવે છે અને પછી આપણે હોય તે પૈસા પણ ગુમાવાના દિવસો જોવા પડે છે.
થોડા દિવસોથી એક નવું ગતકડું જોઈ રહ્યો છું. ફિંગરપ્રિન્ટ દ્વારા તમારા વ્યક્તિત્વની ઓળખ મેળવવાની વાતો કરતા લોકો બજારમાં જોવા મળે છે. તમારા હાથની ૮ આંગળી અને બે અંગુઠાની પ્રિન્ટ લઇ એક સોફ્ટવેરમાં વિગતો ભરીને તેને પૃથકૃત (એનેલાઇઝ ) કરવામાં આવે છે પછી તમારા વિષે એક પૂરો અહેવાલ બનાવવામાં આવે છે. તમે સ્વભાવે કેવા છો?, તમારી પ્રકૃતિ કેવી છે?, તમારામાં ક્યાં ગુણ વધારે છે? તમારે ક્યાં ગુણ પર મહેનત કરીને તેને સુધારવા જોઈએ?, તમે ભવિષ્યમાં શું કરશો તો વધારે સફળ થશો?, તમારું મગજ કેટલું કામ કરે છે? વગેરે વગેરે વગેરે વગેરે. મને આ બધું જોઇને ખુબ આશ્ચર્ય થયું કે કોઈ કોમ્પ્યુટરના ડેટાબેઝ ના આધારે તમને એક જાણકારી મળે છે અને તમારું ભવિષ્ય ઘડાઈ શકે છે. મારા માટે આ કોમ્પ્યુટર કુંડળીથી વિશેષ કશું જ નથી. જેમ પહેલા લોકો તમારા જન્મ સ્થળ, જન્મ સમય અને જન્મ તારીખને આધારે કુંડળીઓ હાથથી બનાવતા અને પછી તે કામ કોમ્પ્યુટર કરવા લાગ્યું તેવી જ રીતે મને આ નુસખો લાગ્યો - માત્ર સ્વરૂપ બદલી દેવામાં આવ્યું. આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે તેમની પાસે લાખો લોકોની ફિંગરપ્રિન્ટ છે અને તે દરેક વ્યક્તિના ગુણ આધારિત વર્ગીકરણનો એક ડેટાબેઝ તેમની પાસે છે અને તમારી ફિંગરપ્રિન્ટ તેમની સાથે સરખાવવામાં આવે છે અને જે અર્થઘટન કરવામાં આવે છે તે સચોટની ખુબ નજીક હોય છે. હું આ તર્ક સાથે સહમત નથી થતો. મે મારા મિત્રના આ ટેસ્ટ બે વાર કરાવ્યા અને એક જ વ્યક્તિને બંને અહેવાલ તદ્દન જુદા આવ્યા. આવું કેમ? જો વ્યક્તિ એક હોય, વ્યક્તિની ફિંગરપ્રિન્ટ એક હોય, એક જ દિવસે ટેસ્ટ કરવામાં આવ્યા હોય, એક સરખી જ માહિતી કોમ્પ્યુટરને આપવામાં આવી હોય તો ડેટાબેઝ (?) બે જુદા જુદા પરિણામ કેવી રીતે આપી શકે? તમારી જાણ માટે કહી દઉં કે આ એક ટેસ્ટ કરવાની ફી ૪૦૦૦ થી ૭૫૦૦ રૂ. સુધી હોય છે.
આ લેખનો સાર કહું તો તમે ખરેખર કેવા છો તે તમારાથી વિશેષ કોઈ જાણતું નથી અને કોઈ કહી શકવાનું નથી. બીજી વાત તમારા વર્તમાનમાં તમને રસ નથી તેથી આવા લોકો ફાવી જતાં હોય છે. ત્રીજી વાત તમારા ભવિષ્ય અંગે આપેલી માહિતી સુધી આ લોકો કે કંપનીઓ અસ્તીસ્ત્વમાં રહેવાની નથી માટે તમે કશું કરી શકવાના નથી. તમારા રિપોર્ટ પ્રમાણે તમે મેડીકલમાં સારું ભવિષ્ય બનાવશો તેવું લખ્યું હોય અને ૧૫ વર્ષ પછી તમે એન્જીનીયર બનશો તો ?
મિત્રો લાખો વાર વાંચ્યું હશે, સાંભળ્યું હશે, બીજાને સલાહ પણ આપી હશે કે તમે જ તમારા પ્રારબ્ધ ના ઘડવૈયા છો તો પછી આવા લોકોની જાળમાં કેમ ફસાઈ જાઓ છો?
તમે વર્તમાનમાં શું બનશો તેના સપના બતાવીને આવા લોકો પોતાના વર્તમાનને બનાવી રહ્યા છે. તમારા વર્તમાનની સંપતિ સૌથી મોટી સંપતિ છે અને તેનો યોગ્ય ઉપયોગ કરીને જ તમે તમારા ભવિષ્યની ઈમારતને ચણી શકવા માટે સક્ષમ છો. કોઈ પોપટ તમારા ભવિષ્યનું પત્તું કાઢીને તમને પોપટ બનાવે તેવું ઈચ્છો છો? માત્ર હાથ, પગ કે કપાળની રેખા જોઈને ભવિષ્ય બનતું હોય તો દરેક પુરુષ ઘરેથી કામ કરવા નીકળતો જ ન હોત. હાથ જોઈને ભવિષ્ય ન બંને મિત્રો હાથના ઉપયોગથી ભવિષ્ય બંને.
મિનીકટ : મદનલાલ ઢીંગરાએ સ્વતંત્રતાની રેખા પોતાની હથેળીમાં જાતે જ બનાવી લીધી હતી